શિક્ષણ દ્વારા આત્મોન્નતિ :
July 31, 2008 Leave a comment
શિક્ષણ દ્વારા આત્મોન્નતિ :
અશિક્ષિત હોવું એ બહુ મોટો અભિશાપ છે, કોઇનામાં ગમે તેટલી પ્રકૃતિદત્ત યોગ્યતાઓ કેમ ન હોય, પરંતુ જો તે અભણ હોય તો તેની પ્રતિભાશક્તિનો પૂરેપૂરો વિકાસ થઇ શકશે નહિ. કેવળ પ્રતિભાઓ હોય એ પણ પૂરતું નથી, પરંતુ શિક્ષણ દ્વારા તેનું વિકસિત થવું પણ આવશ્યક છે. જેવી રીતે પૌષ્ટિક ભોજનના અભાવે શરીર કૃશ થઇ જાય છે, તેવી રીતે ઉત્તમ પુસ્તકરૂપી પૌષ્ટિક ભોજન ન મળવાથી માનસિક શક્તિઓ પણ ક્ષીણ થઇ જાય છે તથા મસ્તિષ્ક ઉન્નત થઇ શકતું નથી. પુસ્તકો ફકત આપણી માનસિક શક્તિઓને જ વિકસિત નથી કરતાં, પરંતુ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આપણને મદદ કરે છે. જો આપણે થાકેલા હોઇએ, તો મનોરંજન કરે છે, એકલા હોઇએ તો શ્રેષ્ઠ મિત્રનું સુખ આપે છે, વિપત્તિમાં પડેલા હોઇએ તો પ્રેરણા તથા સમુચિત માર્ગદર્શન આપે છે.
પુસ્તકોમાંથી ફક્ત મનોરંજન જ મળતું નથી, પરંતુ જ્ઞાનભંડારમાં પણ વધારો થાય છે. તેના દ્વારા ઘરે બેઠાંબેઠાં દેશ-વિદેશની અસંખ્ય માહિતી મેળવી શકાય છે. કોઇપણ રાષ્ટ્રની સંસ્કૃતિ, રહેવાસીઓ તથા તેમના આચાર-વિચાર બાબતમાં જાણી શકાય છે. ત્યાંની સાહિત્યિક કૃતિઓનો રસાસ્વાદ પણ કરી શકાય છે.
સારાં પુસ્તકો વાંચવાથી સદ્ ગુણોનો વિકાસ થાય છે અને બૂરાઇઓ દુર થાય છે. વિનમ્રતા, સહિષ્ણુતા, શ્રમશીલતા, સજ્જનતા, સેવા, પરોપકાર વગેરેની ભાવનાઓ આપણી અંદર પલ્લવિત થાય છે.
નિરાશા અને આપત્તિઓની ક્ષણોમાં પુસ્તકો સારા મિત્ર અને માર્ગદર્શકની ભૂમિકા નિભાવે છે. સાચો, હિતેચ્છુ અને ઉચિત સલાહ આપનાર મિત્ર મળવો આ સંસારમાં દુર્લભ છે. પરંતુ પુસ્તક આ અભાવની પૂર્તિ કરે છે. એકાકી ક્ષણોમાં તે સાથીની જેમ મન બહેલાવે છે. વિપત્તિની ક્ષણોમાં મિત્રની જેમ અનુભવી અને હિતપૂર્ણ નિર્દેશ આપે છે. તેના સામિપ્યમાં જે અવર્ણનીય આનંદની અનુભુતિ થાય છે, તે વ્યકત કરી શકાતી નથી. બીજી પ્રસન્નતાઓ તો સીમિત સામયિક અને અસ્થાયી હોય છે, પરંતુ અધ્યયનથી મળનાર આનંદ અનંત અને ચિરકાલીન હોય છે.
આ બધી વાતોને નજરમાં રાખીને જ આપણા ધર્મગ્રંથોમાં સ્વાધ્યાય પર ભાર મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ પૃથ્વી અને દ્યુલોકની વચ્ચે જે કાંઇ પણ છે, તેમાં સ્વાધ્યાય સર્વોપરિ છે. ધન-ધાન્યપૂર્ણ સમસ્ત પૃથ્વીનું દાન કરવાથી જે પૂણ્ય પ્રાપ્ત થાય છે, તેનાથી ત્રણગણું પુણ્ય અથવા એનાથી પણ વધારે અક્ષય પુણ્ય દરરોજ સ્વાધ્યાય કરનાર વ્યક્તિને મળે છે. પણ દુર્ભાગ્યની વાત એ છે કે આજે પણ આપણા દેશની મોટા ભાગની જનતા અજ્ઞાન અને નિરક્ષરતાની ખાઇમાં ડૂબેલી છે. આપણે જોઇએ છીએ કે ખાસ કરીને 25 થી 40 વર્ષની ઉંમરનાં પુરુષો અને સ્ત્રીઓઅ શિક્ષણના અભાવે નાનાં મોટાં કાર્યોમાં પોતાની શક્તિઓ નષ્ટ કરતાં રહે છે. અભણ હોવાના કારણે નથી એમની માનસિક શક્તિઓનો પૂર્ણ વિકાસ થઇ શકતો નથી જીવનસ્તર ઉન્નત થઇ શક્તું. આવા લોકો બાળકોનો ઉછેર પણ યોગ્ય રીતે કરી શકતા નથી.
અભણ લોકોને શિક્ષણની ઉપયોગિતા બતાવવી જોઇએ. યુગ નિર્માણ યોજના દ્વારા સંચાલિત વિદ્યાલય આ તરફનું એક ક્રાંતિકારી પગલું છે. જીવનમાં વ્યાવહારિક ક્ષેત્રમાં કામ આવનાર, ચરિત્રગઠન તથા નૈતિક અને ભાવનાત્મક પરિષ્કાર કરનાર શિક્ષણ એમાં આપવામાં આવે છે. જીવન વિશાળ છે. એકવાર દ્રઢ નિશ્વય કરો કે આપે શિક્ષિત વ્યક્તિ બનીને જ રહેશો. જો આપ જ્ઞાન મેળવવા માગતા હો તો તેનું મૂલ્ય અવશ્ય ચુકવવું પડશે અને એક દિવસ આપ જોશો કે માનસિક શક્તિઓ ઝડપથી વિકસી રહી છે. ધીરે ધીરે જ્ઞાનનો વિશાળ ભંડાર આપની પાસે ભેગો થઇ જશે, જે પ્રત્યેક ક્ષેત્રમાં ઉન્નતિનાં નૂતન દ્વાર ખોલી આપશે.














પ્રતિભાવો