સુખ અને દુ:ખનો આધાર જ્ઞાન.
August 7, 2008 Leave a comment
સુખ અને દુ:ખનો આધાર જ્ઞાન.
સંસારમાં જેટલું પણ દુ:ખ, કંકાસ, રોગ, શોક, ભય, તથા ગરીબી ફેલાયેલાં છે તેનું મૂળ કારણ અજ્ઞાન છે. મનુષ્યના હાડમાંસના શરીરમાં અન્ય વસ્તુઓ પશુઓ કરતાં પણ ખરાબ છે. એની એક જ વિશેષતા છે, અને એના આધારે જ તે વિશ્વનો મુગટમણિ બન્યો છે, તે છે જ્ઞાન. આ જ્ઞાનશક્તિના શુદ્ધ કે અશુદ્ધ થવાથી જીવન સારું કે ખરાબ, સુખી કે દુ:ખી થવાની શકયતા રહેલી છે.
સ્વર્ગ અને નર્ક કોઇ વિશેષ સ્થળો નથી. પરંતુ મનની બે વૃત્તિઓ છે. દુર્ભાગ્યવશ મગજ હંમેશાં ઇર્ષા, વેર, ચિંતા, ભય, શોક, ગરીબી અને મુશ્કેલીઓમાં ડૂબેલું રહે છે. જયારે સદ્દ-ભાવનાઓને પોતાના સ્વભાવમાં યોગ્ય સ્થાન આપનાર વ્યક્તિ પોતાની ચારે તરફ પ્રસન્નતા, આત્મીયતા, પ્રેમ, શિષ્ટાચાર, સહયોગ તથા ઉદારતાનું વાતાવરણ જુએ છે અને સુખી તથા સંતુષ્ટ રહે છે. આ જ સ્વર્ગ તથા નર્ક છે.
કુવિચારોનું ફળ ખરાબ કર્મ અને ખરાબ કર્મનું પરિણામ દુ:ખ.આ જ નર્કનો રસ્તો છે.સારા વિચારોનું ફળ સારાં કાર્યો અને સારાં કર્મોનું પરિણામ સુખ. આ સ્વર્ગનું પગથિયું છે. સ્વર્ગ અને નર્ક બન્નેય આપણી મુઠ્ઠીમાં છે. એ કોઇ બીજું આપતું નથી, પરંતુ આપણે જાતે જ આપણા માટે જે ઇચ્છીએ તે પસંદ કરી લઇએ છીએ.
જેની અંદર આત્મિક વિવેક પૂરતા પ્રમાણમાં નથી, એવા ધનવાન લોકો તો ગરીબ લોકોથી પણ વધારે ચિંતિત અને પરેશાન રહે છે. ઊંચી મનોવૃત્તિવાળા ત્યાગી લોકો વસ્તુઓનો અભાવ હોવા છતાં સ્વર્ગીય આનંદનો અનુભવ કરે છે
અખંડજ્યોતિ, જુન-1958, પેજ-34














પ્રતિભાવો