આશાવાદી બનો :
September 15, 2008 Leave a comment
આશાવાદી બનો :
આપણે કરવાથી કશું નથી થવાનું એવો નિરાશાવાદી વિચાર સફળતાનો નાશ કરતો શત્રુ છે. આશાવાદ ઘણી મોટી ઉત્પાદક શક્તિ છે. જીવનનું મૂળ છે. તેની અંદર પ્રત્યેક વસ્તુ નિવાસ કરે છે. તે માનસિક ક્ષેત્રમાં પ્રવેશતાં જ મોટો લાભ પહોંચાડે છે. એટલાં માટે જેને નિરાશાથી છુટકારો મેળવવાની ઇચ્છા હોય તેણે વાજબી છે કે પોતાના મનની સ્થિતિને ઉત્સાહપૂર્ણ, વધારનારી, ઉદાર અને નરમ રાખે.
તમે નિરાશ એટલાં માટે છો કે ભય અને સંદેહ તમારા અંત:કરણ ઉપર છવાઈ ગયાં છે. તમને તમારી યોગ્યતાને માટે અવિશ્વાસ થઈ ગયો છે. તમને સફળતા અને દુર્ભાગ્યની માનસિક પ્રવૃત્તિઓએ પરાસ્ત કરી દીધા છે અને હીણી ભાવનાઓએ તમારા માનસિક જગતમાં તોફાન ઉત્પન્ન કરીને તમને અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે. વિચારોની આ પરાધીનતા જ તમને ડુબાડી રહી છે.
યાદ રાખો જ્યાં સુધી તમે કોઈ કાર્યમાં હાથ નહીં નાખો ત્યાં સુધી તમને તમારી શક્તિનો અંદાજ નહીં આવે. મનુષ્ય જ્યાં સુધી પોતાની જાતને ઓળખી ન લે કે તે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે ત્યાં સુધી તે પાંગળો જ છે.
તમારે જે કાંઈ શ્રેષ્ઠ, છે તે કરવું છે, જે કાંઈ તમારો અંતરાત્મા કહે છે, તેને દ્રઢ સંકલ્પપૂર્વક જરૂરથી શરૂ કરો. ડરો નહીં, શંકા, સંદેહ કે અવિશ્વાસની કોઈ વાત ન વિચારો પરંતુ કાર્યની શરૂઆત કરો. પ્રત્યેક મનુષ્ય કંઈક જરૂરથી કરી શકે છે અને કરશે. જો કાર્યરત બની હિંમત નહીં હારે, હિંમત હંમેશા દાવ જીતે છે.
તમે તમારી શક્તિ અને માનસિક બળની અભિવૃદ્ધિ કરતા રહો. સંસારમાં જે કરોડો મનુષ્ય નિરાશ થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ આત્મવિશ્વાસની કમી છે. શ્રદ્ધા ગુમાવી બેઠાં છે અને ખરાબ કારણ વગરના વિચારોના તેઓ કોળિયા બની બેઠાં છે. તમે કાયમ આનાથી બચતા રહો. હંમેશા આંતરિક મનની ઊંચી ભાવનાઓ પ્રત્યે લક્ષ્ય રાખો અને પોતાની દરેક શક્તિમાં અખંડ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ રાખો. કોઈ ખાસ મર્યાદા સુધી ફકત ઉપર છલ્લો વિશ્વાસ ન રાખતાં આંતરિક તળિયા સુધી દ્ગઢતાથી વિશ્વાસની કાયમી છાપ જમાવી દો. પછી વિશ્વાસનાં સુમધુર ફળ જુઓ. તમારી દરેક નિરાશા રફુચક્કર થઈ જશે.
આજથી તમે તમારી ક્ષુદ્રતાનું ચિંતન છોડો. જ્યારે પણ સૃષ્ટિની વિશાળતાનો વિચાર કરવા બેસો ત્યારે પોતાના મન, શરીર, આત્માની મહાન શક્તિઓ ઉપર ચિત્ત એકાગ્ર કરો. શક્તિના આ કેન્દ્ર ઉપર મન સ્થિર રાખવાથી કોઈ કમજોરી તમારા અંત:કરણમાં પ્રવેશ કરી શકશે નહીં.














પ્રતિભાવો