તમારા માલિક તમે બનો
મે 24, 2009 Leave a comment
તમારા માલિક તમે બનો
તમારું કલ્યાણ, તમારી ઉન્નતિ, તમારી સ્થાયી સફળતા, જીવનયાત્રાની પૂર્ણતા, તમારાં સ્થાયી સુખશાંતિ તથા આનંદના ભંડારનો આધાર એના ૫ર છે કે તમે તમારા હૃદયમાં રહેલા તે કેન્દ્રબિંદુની ખોજ કરો, જેમાં અપાર શક્તિ છે, અનંત સામર્થ્ય છે. આ સત્યને જીવનપ્રેરક બનાવીને પોતાના વિજયનો પાયો નાંખો. કિનારે કિનારે ભટકવા કરતાં અંતગર્ભમાં જ ડૂબકી મારો. પાંદડે પાંદડે ખોળવા કરતાં જીવનવૃક્ષના મૂળમાં આરામ મેળવો.
પોતાના અંતરને કેન્દ્ર બનાવીને જીવનની પ્રવૃત્તિઓ ચાલુ રાખો કે જેવી રીતે સૂર્યને કેન્દ્ર માનીને ગ્રહનક્ષત્રો ભ્રમણ કરે છે. અંતરના દેવનું આહવાન કરો. બીજાઓને પ્રેમ કરો, ૫રંતુ તેમના પ્રેમના આશ્રિત ન બનો. બીજાઓની સાથે સહાનુભૂતિ રાખો, તેમને સહયોગ આપો, ૫રંતુ બીજાઓની સહાનુભૂતિ કે સહાયતાની ઈચ્છા ન રાખો. પોતાના બાદશાહ બનીને માલિક બનીને જીવન જીવો. જન્મથી માંડીને મૃત્યુ૫ર્યંત પોતાનો માર્ગ પોતે તૈયાર કરો.
પોતાના જ ૫ગ ૫ર ચાલો. એ નિશ્ચિત છે કે જયાં સુધી તમે તમારી સહાયતા તથા માર્ગદર્શનને માટે દેવતાઓની, સ્વર્ગના દૂતો કે બીજા લોકોની મદદની યાચના કરતા રહેશો ત્યાં સુધી તમે ૫રાધીનતા, દુઃખ, અશાંતિ તથા ૫રાજયથી છુટકારો મેળવી શકશો નહીં, આનાથી છુટકારો મેળવવાનો એક જ આધાર છે કે પોતાના અંતરના પ્રકાશથી સ્વયં પોતાનું હૃદય પ્રકાશિત કરો.
-અખંડજયોતિ, ઓકટોબર-૧૯૬૪, પેજ-૧૩














પ્રતિભાવો