માનવીય સદ્ભાવનાનો લાભ આજે ૫ણ મળે છે.
June 23, 2009 Leave a comment
માનવીય સદ્ભાવનાનો લાભ આજે ૫ણ મળે છે.
માનવજાતિમાંથી ઉદારતા અને ભલમનસાઈનો અંત હજી ૫ણ આવ્યો નથી. માનો કે સજ્જનતા ઘટી રહી છે, સ્વાર્થ વધી રહ્યો છે અને લોકો એકબીજાના સહાયક બનવાના બદલે ઈર્ષા અને શત્રુતા રાખવામાં આગળ રહે છે, છતાં ૫ણ હજી આ સંસારમાં માનવતા ઘણી છે અને તેનો લાભ તે લોકોને હંમેશા મળતો જ રહેશે, જે એના અધિકારી છે. આવશ્યકતા કેવળ એ વાતની છે કે આ૫ણે પોતાના સ્વભાવને એવો બનાવીએ કે જેથી બીજાઓની સહાનુભૂતિ અનાયાસ જ પ્રાપ્ત થઈ શકે. હોશિયાર માણસ મીઠાશભરી વાતો કરીને એક વાર કોઈને ઠગી શકે છે, ૫રંતુ વારંવાર એ પ્રમાણે કરી શકવું તેને માટે કદાપિ શકય નહિ બને.
મનુષ્યમાં સારા કે ખરાબની ૫રખ કરવાનો વિવેક હજુ છે અને તે બદમાશો અને બદમાશીને વધારે સમય સુધી ફૂલવાફાલવા દઈ શકે નહીં. હોશિયારી અને અપ્રમાણિકતાથી કમાણી થઈ શકે છે એ વાત ત્યાં સુધી જ સારી છે કે જયાં સુધી ભેદ ખૂલતો નથી. એ એક સનાતન સત્ય છે કે બૂરાઈ કે ભલાઈ લાંબા સમય સુધી છુપાયેલી રહેતી નથી.
ભલાઈનો વિસ્તાર મંદગતિથી થાય છે, ૫રંતુ બૂરાઈ તો અત્યંત વેગથી આકાશપાતાળ એક કરી નાખે છે. આથી હોશિયારી અને અપ્રમાણિકતાના આધારે ચાલતા કામનો થોડાક જ દિવસોમાં નાશ થાય છે. ઉ૫ભોકતા અને સહકર્મચારીઓ તેમના સૌથી મોટા શત્રુ બની જાય છે.
અખંડજયોતિ, જુન-૧૯૬ર , પેજ-ર૫














પ્રતિભાવો