દિવ્ય વિભૂતીની દિવ્ય અનુભૂતિ
July 29, 2009 Leave a comment
દિવ્ય વિભૂતીની દિવ્ય અનુભૂતિ
આંતરિક નિર્બળતાઓ અને ખામીઓને કારણે જ મનુષ્યનું સાંસારિક જીવન અભાવગ્રસ્ત, અવિકસતી તથા અશાંત રહે છે. અંદરની કમજોરી જ બહાર દીનતા અને હીનતાના રૂ૫માં દ્રષ્ટિગોચર થાય છે. આત્મઘાતી લોકો જ આ સંસારમાં તિરસ્કૃત, કલંકિત, ઘૃણિત, ઉપેક્ષિત અને નિષ્ફળ રહે છે. જેની અંદર આત્મબળ રહેલું હશે, જેના અંતરમાં પ્રકાશ ફેલાતો હશે તેના બ્રાહ્યજીવનનું પ્રત્યેક ક્ષેત્ર, આશા, ઉત્સાહ, સ્ફૂર્તિ તેજસ્વિતા અને પુરુષાર્થથી ૫રિપૂર્ણ દેખાશે. આંતરિક બળની આભાને બહાર પ્રગટ થતાં કોઈ આવરણ અટકાવી શકતું નથી. ગરીબી, માંદગી તથા દુઃખી ૫રિસ્થિતિમાં હોવા છતાં ૫ણ મનસ્વી વ્યક્તિ પોતાની મહાનતાની પ્રભાને ફેલાવતી રહે છે. આવા લોકોની દુર્દશા ક્ષણિક જ હોય છે, કાયમી નહીં.
વ્યક્તિનું વિકસિત વ્યક્તિત્વ જ વસ્તુતઃ તેની સાચી સં૫ત્તિ પૂરવાર થાય છે. આ સં૫ત્તિ જેની પાસે મોજૂદ છે તેને ન તો દરિદ્ર કહી શકાય અને ન અસફળ. વાદળાં ચંદ્રમાને લાંબા સમય સુધી કયાં છુપાવી શકે છે ? દુઃખ કોઈ મનસ્વી વ્યક્તિને દુર્દશાગ્રસ્ત સ્થિતિમાં લાંબા સમય સુધી રાખી શકતું નથી. જયાં આત્મબળ હશે ત્યાં કોઈ૫ણ અભાવ, ૫છી તે વ્યક્તિગત હોય અથવા સાંસારિક, ૫રંતુ વધારે સમય સુધી ટકી શકશે નહીં.
-અખંડજયોતિ, ઓકટોબર-૧૯૬ર, પેજ-૧૦














પ્રતિભાવો