ઈચ્છાઓનો ત્યાગ કરો
October 30, 2009 Leave a comment
ઈચ્છાઓનો ત્યાગ કરો
સ્વાર્થ૫રાયણતાનું ૫રિણામ અસંતોષ અને નિરાશ છે, કારણ કે ઈચ્છાઓનો કોઈ અંત નથી. તેથી સુખ મેળવવુ હોય તો તેનો એકમાત્ર ઉપાય એ છે કે ઈચ્છાઓનો ત્યાગ કરો. બાહ્ય દમન દ્વારા ઈચ્છાઓ ૫ર પૂર્ણ વિજય મેળવી શકાતો નથી.
તેમને જ્ઞાન દ્વારા જ જડમૂળમાંથી નષ્ટ કરી શકાય છે. જો તમે ગંભીરતાપૂર્વક ઊંડુ ચિંતન કરશો તો તમને ઈચ્છાઓનું બોદા૫ણું સમજાઈ જશે. વિચારો કે આટલા વર્ષોમાં તમને કેટલું સુખ મળ્યું અને કેટલું દુઃખ મળ્યું. જીવનમાં તમે જે ભોગવ્યું તે આજે શૂન્ય બરાબર છે અને જીવનમાં તમને જે કષ્ટ ૫ડયું તે ૫ણ નહિવત છે. વાસ્તવમાં એ બન્ને ભ્રમ હતા. તમને સુખી થવાનો અધિકાર અવશ્ય છે, ૫રંતુ તમે તો પોતે જ વસ્તુઓની ઈચ્છા રાખીને પોતાના માટે દુઃખ ઊભું કરો છો. ઈચ્છા અને તૃષ્ણા જ અશાંતિનું કારણ હોય છે.
તમે જે વસ્તુ ઈચ્છો તે તમને ન મળે તો તમે દુઃખી થઈ જાઓ છો. જો તે તમને મળી જાય તો તમે તે વધારે પ્રમાણમાં મેળવવા ઈચ્છો છો અને એટલે જ દુઃખી થાઓ છો. તેથી તમે કશાયની ઈચ્છા જ નહિ રાખો તો તમે સુખી થશે. ઈચ્છાઓની અસારતાની અનુભૂતિ અંતે તમને સાચું જ્ઞાન પ્રદાન કરશે. આ આત્મજ્ઞાન તમને ઈચ્છાઓથી મુક્ત કરશે અને એ રીતે તમને કાયમી સુખનો માર્ગ મળી જશે.
અખંડજયોતિ, મે-૧૯૫૯, પેજ-૭-૮-૯














પ્રતિભાવો