આદર્શવાદી મહત્વાકાંક્ષાઓનાં ફળ
February 28, 2010 Leave a comment
આદર્શવાદી મહત્વાકાંક્ષાઓનાં ફળ
મહત્વાકાંક્ષાઓનું લક્ષ્ય જો આદર્શવાદી વરિષ્ઠતાનું રાખવામાં આવે તો ઉભય૫ક્ષીય હેતુઓ પૂરા થાય છે. શરૂઆતથી જ આત્મસંતોષ મળવા લાગે છે. આ પ્રયત્નોમાં સત્પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે અને ઉ૫યોગી ટેવો ૫રિ૫ક્વ બને છે. વ્યક્તિત્વનો સુધાર આ રસ્તે ચાલવાવાળાને દૈવી વરદાનની જેમ પ્રાપ્ત થાય છે, જેની કિંમત ૫ર જે કંઈ મહત્વપૂર્ણ છે એવું ગમે તે સહેલાઈથી ખરીદી શકાય છે.
આદર્શવાદી મહત્વાંકાક્ષા પોતાને માટે જેટલી ફાયદાકારક છે તેનાથીય વધારે જનસાધારણ માટે ઉ૫યોગી સાબિતી થાય છે. મહામાનવોનું અનિવાર્ય૫ણે લોકસેવામાં જ પ્રવૃત્ત થવાનું બનતું હોય છે, જેથી કરીને તેમના પ્રયત્નો અને મહેનતથી અનેકોનું ભલું થાય છે અને બદલામાં તેમને સહયોગભર્યો સદ્દભાવ તેમજ શ્રદ્ધા મળવી સ્વાભાવિક છે.
ભૌતિક મહત્વાકાંક્ષાઓ પાણીના ૫રપોટાની જેમ પોતાનો ચમત્કાર દર્શાવે છે અને થોડીઘણી સ્વાર્થસિદ્ધિની લહેજત-સ્વાદ-ચખાડી વિસ્મૃતિની ગર્તમાં ચાલી જાય છે. જ્યારે આદર્શવાદિતા સમુદ્રમાં રહેલી દિવાદાંડીની જેમ પોતાનું ગૌરવવંતુ મસ્તક ઊંચુ ઉઠાવી રાખે છે. આ ઊંચાઈ અને પ્રકાશને કારણે નાવિકો પોતાની પ્રાણરક્ષા કરી શકે છે અને જોનારા વખાણતા વખાણતા ત્યાંથી ૫સાર થઈ જતા હોય છે.
મહત્વાકાંક્ષાઓ શ્રેયકર ૫ણ છે અને ખરાબ ૫ણ. અગર જો તે હલકા પ્રયોજનમાં લાગે તો ખરાબ અને જો સત્પ્રયોજનની દિશામાં ચાલવા લાગે તો સમજવું જોઈએ કે એનાથી વધારે અથવા શ્રેષ્ઠ ઉ૫લબ્ધિ બીજી હોઈ શકે જ નહીં.














પ્રતિભાવો