દરિદ્રતા
April 24, 2011 Leave a comment
દરિદ્રતા
દરિદ્રતા ઇચ્છાઓની કૂખમાંથી ઉત્પન્ન થાય છે. જેની ઇચ્છાઓ જેટલી વધારે છે, તેણે તેટલા જ દરિદ્ર થવું પડશે; તેણે તેટલું જ યાચના અને દાસતાના ચક્રવ્યૂહમાં ફસાવું પડશે. તેની સાથે તેનું દુ:ખ પણ એટલું જ વધશે. એટલાં માટે જેણે દરિદ્રતા નિવારણ માટે ડગલું ભરવું હોય, તેણે ઇચ્છાઓ તરફથી પોતાના પગને એટલાં જ પાછાં વાળવા પડશે; કારણ કે જે જેટલી પોતાની ઇચ્છાઓ છોડી શકે છે, તે તેટલો જ સ્વતંત્ર, સુખી અને સમૃદ્ધ થાય છે. જેની ચાહત બિલકુલ નથી, તેની નિશ્ચિતતા અને સ્વતંત્રતા અનંત થઈ જાય છે.
આ સંદર્ભમાં સૂફીઓમાં એક કથા કહેવામાં આવે છે. ફકીર બાલશેમે એક વખત પોતાના એક શિષ્યને થોડુંક ધન આપતાં કહ્યું – “આ કોઈ દરિદ્ર વ્યક્તિને દાન આપી દેજે.” શિષ્ય પોતાના ગુરુ પાસેથી થોડો આગળ ગયો અને વિચારવા લાગ્યો કે તેના ગુરુએ ગરીબને બદલે દરિદ્ર વ્યક્તિને આ ધન આપવાનું કહ્યું છે અને તેણે બાલશેમના સત્સંગમાં જાણ્યું હતું કે ગરીબ અને ગરીબાઈ પરિસ્થિતિવશ હોય છે, પરંતુ દરિદ્ર અને દરિદ્રતા મન:સ્થિતિ જન્ય છે. તેથી તેણે કોઈ દરિદ્ર વ્યક્તિની શોધ કરવાનું શરૂ કર્યું.
પોતાની આ શોધમાં તે એક રાજમહેલ પાસે જઈને અટકી ગયો. ત્યાં કેટલાક લોકો અરસપરસ વાતો કરી રહ્યા હતા કે રાજાએ પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે પ્રજા પર કેટલા બધા કર નાખ્યાં છે, કેટલા લોકોને લૂટ્યાં છે. આ વાતો સાંભળીને તેને લાગ્યું કે તેની લાગ્યું કે તેની શોધ પૂરી થઈ. બસ તેણે રાજાના દરબારમાં હાજર થઈને તે રાજાને પોતાના બધા રૂપિયા આપી દીધા. એક ફકીર દ્વારા આ રીતે અચાનક રૂપિયા અપાતાં તે રાજા ચકિત થયો, આથી બાલશેમના શિષ્યએ તેને પોતાના ગુરુની વાત જણાવીને કહ્યું, “રાજન્ ! ઇચ્છાઓ હોય તો દરિદ્રતા અને દુ:ખ રહેશે જ. એટલાં માટે જે આ ઇચ્છાઓના સત્યને જાણી લે છે, તે દુ:ખોથી નહિ, પોતાની ચાહતોથી મુક્તિ શોધે છે; કારણ કે જે પોતાની ઇચ્છાઓ અને ચાહતોથી છુટકારો મેળવી લે છે, તેના જીવનમાંથી દરિદ્રતા, દુ:ખ અને દાસતા આપોઆપ જ દૂર થઈ જાય છે અને સમાપ્ત થઈ જાય છે.
યુગ શક્તિ ગાયત્રી-૪-૨૦૧૧














પ્રતિભાવો