અસામાન્ય બનો, અવસરને ઓળખો – ૨
January 1, 2012 Leave a comment
ભગવાનનું કામ ખોટનો સોદો નથી – અસામાન્ય બનો, અવસરને ઓળખો
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ઋષિઓમાં એક વિશેષતા હોય છે. તેઓ સમયને ઓળખી શકે છે અને બધાની આગળ આવીને ઊભા રહે છે. ઉપરાંત બીજાને ઉપદેશ આપતા પહેલાં પોતાને એને યોગ્ય બનાવવાનો પ્રયાસ કરે છે, જેથી સમાજ ઉપર તેનો પ્રભાવ પડે. પછી જ લોકો એમને અનુસરતા હોય છે.
યુગનિર્માણ યોજનાની વાત કંઈક એવી જ છે. મારા ગુરુએ મને કહ્યું કે તારે આગળ ચાલવું પડશે અને હું ચાલી નીકળ્યો. એના પછી લાખો લોકો એમાં જોડાયા. લક્ષ્મણનું અનુકરણ ભરતે અને ભરતનું અનુકરણ શત્રુધ્નેય કર્યું. એ પ્રમાણે રામચંદ્રજીના અનુકરણની શૃંખલા ચાલી. બધા પ્રજાજનો તેમના અનુયાયી થઈ ગયા. તેના પરિણામે રામરાજ્યની સ્થાપના થઈ શકી.
મિત્રો! દુનિયાની ઢબ જ એવી છે, જ્યારે વિશિષ્ટ લોકો વિશિષ્ટ કામ માટે નીકળી પડે છે ત્યારે જ કાંઈક નક્કર કામ થાય છે. આ દુનિયામાં પ્રાણતત્વ અને જીવંત ચેતનાથી ભરપૂર એવા કેટલાય નાનામોટા માણસો હતા. જ્યારે તેમણે આગળ કદમ વધાર્યાં કે તરત જ લોકો એમની પાછળ ચાલવા લાગ્યા. આપણે મહારાણા પ્રતાપનું જીવનચરિત્ર જાણીએ છીએ. તેમને શેની ખોટ હતી ? તેઓ ખાતાપીતા રાજકુટુંબના સભ્યે હતા અને તેમની પાસે બઘી જ વસ્તુઓ હતી. પરંતુ જ્યારે તેમનામાં સ્વરાજની ભાવના જાગૃત થઈ ત્યારે તેમણે રાજપાટ છોડીને જંગલની વાટ પકડી. તેમણે પોતાના કુટુંબની પણ પરવા ન કરી. એ તો રાજા હતા. ઇચ્છત તો પોતાના ખાવાપીવાની વ્યવસ્થા ગોઠવી શકત, તેમ છતાંય તેઓ બરબાદ થઈ ગયા, જંગલોમાં ભટકતા રહ્યા, ઘાસની રોટલી ખાતા રહ્યા, પરંતુ પોતાના ધ્યેયને છોડયું નહિ. બંદા વૈરાગી જેવા લોકોની બરબાદીની વાત તમે કદાચ નહિ જાણતા હો. એ દિવસોમાં કેટલાક લોકોએ પોતાની દીકરીઓનાં લગ્ન મોગલ રાજાઓ સાથે કરી દીધા હતા. તેઓ રાજપૂત રાજાઓ જ હતા. એ જ જમાનામાં એ વિદેશી આક્રમણકારો સામે લડત આપતા રહીને જાતને કુરબાન કરી દીધી હોય તેવા પણ ઘણા લોકો હતા. એમણે આઝાદીની લડતની આગમાં પોતાના પરિવારોને હોમી દીધા, પણ પોતાના ગૌરવને ઊણી આંચ ન આવવા દીધી. એ લોકો વિશિષ્ટ હતા. તેમણે વિશિષ્ટ સમયને ઓળખીને તેનો સામનો કર્યો.














પ્રતિભાવો