૫. ઇશ્વરની અનુભૂતિ કેવી રીતે થાય ? GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા
July 31, 2008 Leave a comment
ઈશ્વરની અનુભૂતિ કેવી રીતે થાય?
જે વસ્તુ જેટલી સૂક્ષ્મ હશે એટલી જ વ્યાપક હશે. પંચમહાભૂતોમાં પૃથ્વીથી જળ, જળથી વાયુ, વાયુથી અગ્નિ અને અગ્નિથી આકાશ સૂક્ષ્મ છે, એટલે એક બીજાથી વધુ વ્યાપક છે. આકાશ-ઈથર તત્ત્વ દરેક જગ્યાએ વ્યાપેલું છે, પરંતુ ઈશ્વરની સૂક્ષ્મતા સર્વોપરી છે એટલે એની વ્યાપકતા પણ વધુ છે. વિશ્વમાં લેશમાત્ર પણ સ્થાન એવું નથી, જ્યાં ઈશ્વર ન હોય. અણુ અણુમાં એની મહત્તા વ્યાપી રહી છે. સ્થાન વિશેષમાં ઈશ્વરતત્ત્વ ઓછું -વધુ હોઈ શકે છે, જેમ કે ચૂલાની આસપાસ ગરમી વધુ રહે છે. એટલે એમ કહી શકાય કે એ સ્થાને અગ્નિતત્ત્વની વિશેષતા છે. એ જ રીતે જળાશયો પાસેના શીતળ સ્થાનમાં અગ્નિતત્ત્વ ઓછું હશે. સત્યનું, વિવેકનું આચરણ વધુ ત્યાં ઈશ્વરની વિશેષ કળાઓ વિદ્યમાન હોય છે. જ્યાં આળસ, પ્રમાદ, પશુતા તથા અજ્ઞાન છે, ત્યાં એની ન્યૂનતા જ હોઈ શકે. સંપૂર્ણ શરીરમાં જીવ વ્યાપેલો છે.
જીવને કારણે જે શરીરની સ્થિતિ અને વૃદ્ધિ થાય છે, પરંતુ એમાં પણ સ્થાન વિશેષ પર જીવનું ઓછુંવતું પ્રમાણ જોઈ શકાય છે. હ્રદય, મસ્તક, પેટ અને મર્મસ્થાનો પર તીવ્ર આઘાત લાગવાથી મૃત્યુ થઈ જાય છે, પરંતુ હાથ, પગ, કાન, નાક, જાંઘ આદિ સ્થાનો પર એનાથી પણ વધુ આઘાત સહી શકાય છે. વાળ અને નખ જીવની સત્તાથી જ વધે છે, પણ કાપવાથી જીવને કશી હાનિ થતી નથી. સંસારમાં સર્વત્ર ઈશ્વર વ્યાપેલો છે. ઈશ્વરની અધિકતા છે. એ જ રીતે પાપ પ્રવૃત્તિઓમાં ઈશ્વરતત્ત્વની ન્યૂનતા સમજવી જોઈએ. ધર્માત્મા, મનસ્વી, ઉપકારી, વિવેકવાન અને તેજસ્વી મહાપુરુષોને “અવતાર” કહેવામાં આવે છે, કેમ કે એમની સત્યનિષ્ઠાના આકર્ષણથી ઈશ્વરની માત્રા એમનામાં વધુ હોય છે. અન્ય પશુઓ કરતાં ગાયમાં તથા અન્ય જાતિઓ કરતાં બ્રાહ્મણમાં ઈશ્વરનો અંશ વધુ માનવામાં આવ્યો છે, કેમ કે એમની સત્યનિષ્ઠા તથા ઉપકારી સ્વભાવ ઈશ્વરશક્તિને બળપૂર્વક પોતાની અંદર વધુ માત્રામાં ખેંચીને ધારણ કરી લે છે.
ઉપર્યુક્ત પંક્તિઓમાં દર્શાવવામાં આવ્યું છે કે સંપૂર્ણ જડ-ચેતન સૃષ્ટિના નિર્માણ, નિયંત્રણ, સંચાલન અને વ્યવસ્થા કરનારી આદ્ય બીજ શક્તિને ઈશ્વર કહે છે. આ સંપૂર્ણ વિશ્વના કણેકણમાં તે વ્યાપ્ત છે અને સત્યની, વિવેકની તથા કર્તવ્યની જ્યાં અધિકતા છે ત્યાં ઈશ્વરીય અંશ અધિક છે. જે સ્થાનોમાં અધર્મનો જેટલા અંશમાં સમાવેશ છે, ત્યાં એટલાં જ અંશમાં ઈશ્વરની દિવ્ય સત્તા ઓછી હોય છે.
સૃષ્ટિના નિર્માણમાં ઈશ્વરનો કયો ઉદ્દેશ્ય છે ? એનું યોગ્ય કારણ જાણવાનું માનવ બુદ્ધિ માટે હજી સુધી શક્ય નથી બન્યું. શાસ્ત્રકારોએ અનેક અટકળો આ સંદર્ભમાં કરી છે, પરંતુ એમાં એક પણ એવી નથી, જેનાથી પૂરો સંતોષ મળે. સૃષ્ટિની રચનાનો ઈશ્વરનો ઉદ્દેશ્ય હજી સુધી અન્નેય બની રહ્યો છે. ભારતીય અધ્યાત્મવેત્તા એને ઈશ્વરની “લીલા” કહે છે. એટલે ઈશ્વરવાદનો સિદ્ધાંત સર્વથા સ્વાભાવિક અને મનુષ્યના હિતને અનુકૂળ છે. આજ સુધી માનવ સમાજે જે કંઈ ઉન્નતિ કરી છે એનો સૌથી મોટો આધાર ઈશ્વરીય વિશ્વાસ જ રહ્યો છે. પરમાત્માનો આશ્રય લીધા વિના મનુષ્યની સ્થિતિ નિરાધાર બની જાય છે, જેથી એ પોતાનું કોઈ પણ લક્ષ સ્થિર નથી કરી શકતો અને લક્ષ્ય વિના સંસારમાં કોઈ મહાન કાર્ય સંભવ બનતું નથી. એટલે પરમાત્માના વિરાટ સ્વરૂપના રહસ્યને સમજીને જ આપણે સંસારમાં આપણી જીવન યાત્રા આગળ વધારવી જોઈએ.
પ્રતિભાવો