ઉદ્દેશ્ય ઊંચો રાખો
August 10, 2008 Leave a comment
ઉદ્દેશ્ય ઊંચો રાખો
માટીનાં રમકડાં જેટલી સહેલાઈથી મળે છે એટલી સહેલાઈથી સોનું મળતું નથી. મન પાપ તરફ સહેલાઈથી જાય છે, પરંતુ એને પુણ્ય કર્મો તરફ વાળવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. પાણીનો પ્રવાહ નીચેની તરફ ખૂબ ઝડપથી વહે છે, પરંતુ પાણીને જો ઊંચે ચઢાવવું હોય તો પંપ મૂકવો પડે છે.
ખરાબ વિચાર તથા તામસી સંકલ્પ એવી બાબતો છે, જે આપણું મનોરંજન કરતાં કરતાં આપણા મનમાં ઘૂસી જાય છે અને સાથે સાથે પોતાની મારક શક્તિને પણ લઇ આવે છે. સ્વાર્થમયી નીચ ભાવનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે તે કાળા રંગની છરીઓ સમાન તીક્ષ્ણ અને તેજાબ ની જેમ દાહક હોય છે. તેમને જો થોડીક જગ્યા મળે તો તે પોતાના જેવી ઘણી સામગ્રી ને ખેંચી લે છે. વિચારોમાં પણ પૃથ્વી વગેરે તત્વોની જેમ ખેંચવાની અને સીંચવાની શક્તિ હોય છે. તે અનુસાર પોતાની ભાવનાને પુષ્ટ કરનાર એ જ જાતનાં વિચારો ઊડી ઊડીને ત્યાં એકત્રિત થવા લાગે છે.
આવું જ સારા વિચારોની બાબતમાં પણ છે. તેઓ પણ પોતાના જેવા વિચારોને એકઠા કરીને સશક્ત બનવામાં પાછા પડતા નથી. જેમણે ઘણા લાંબા સમય સુધી ખરાબ વિચારોને પોતાના મનમાં સ્થાન આપ્યું છે એમને ચિંતા, ભય તથા નિરાશાનો શિકાર થવું જ પડશે.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૪૦, પેજ-૧૦
પ્રતિભાવો