દ્રષ્ટિ કોણ બદલો
August 13, 2008 Leave a comment
દ્રષ્ટિ કોણ બદલો :
આપણી મુશ્કેલીઓ આપણને પર્વત સમાન દુર્ભેધ, સિંહ જેવી ભયંકર તથા અંધકાર જેવી ડરામણી લાગે છે, પરંતુ ખરેખર તે એવી હોતી નથી, માત્ર ભ્રમ છે. તેમનાથી ડરવાનું કોઇ કારણ નથી.
હું વારંવાર નિષ્ફળ જાઉં છું એમ માનીને દુઃખી ના થશો. એની ચિંતા ના કરો કારણ કે સમય અનંત છે. વારંવાર પ્રયત્ન કરો અને આગળ વધો. નિરંતર કર્તવ્ય કરતા રહો. તમારું પ્રત્યેક ડગલું સફળતા તરફ આગળ વધી રહ્યું છે. આજે નહિ તો કાલે તમને સફળતા મળશે જ કારણ કે કર્તવ્યનું પરિણામ સફળતા જ હોય છે. મદદ માટે બીજાઓની આગળ કાકલૂદી ના કરશો, કારણ કે કોઇનામાં એટલી શક્તિ નથી કે તમને મદદ કરી શકે.
કોઇ દુઃખ યા મુશ્કેલી માટે બીજાઓ ઉપર દોષારોપણ ના કરશો, કારણ કે બીજું કોઇ તમને દુઃખ પહોંચાડી શકતું નથી. તમે પોતે જ તમારા મિત્ર છો અને તમે પોતે જ તમારા શત્રુ છો. તમારી સામે જે સારી કે ખરાબ પરિસ્થિતિ છે તે તમે જ પેદા કરી છે. જો તમે તમારો દ્રષ્ટિ કોણ બદલી નાખશો તો બીજી જ ક્ષણે ભયનું ભૂત અંતરિક્ષમાં ઓગળી જશે.
જન્મજન્માંતરોના સંસ્કાર જ્યારે એકત્રિત થાય છે ત્યારે જ મનુષ્ય ઈશ્વરની પ્રાપ્તિ માટે ખરા અંત:કરણથી પ્રાર્થના કરી શકે છે.
અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૪૧, મુખપૃષ્ઠ
પ્રતિભાવો