ગીતાનો કર્મયોગ
November 24, 2008 Leave a comment
ગીતાનો કર્મયોગ
દરેક મનુષ્ય આ સંસારમાં કોઈક ખાસ ઉદ્દેશથી આવે છે. તે એ વિશેષ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવામાં સમર્થ હોય છે. એનાથી વિપરીત દિશામાં જવા માટે તે સ્વતંત્ર નથી. ઉદાહરણ તરીકે અર્જુનને જુઓ. પૃથ્વીના ભારને દૂર કરવાના વિશેષ ઉદ્દેશથી તેનો જન્મ થયો હતો. તેથી આ કાર્યમાં તે પરતંત્ર બન્યો. તેણે એ કાર્ય કરવું જ પડયું.
ઇશ્વર બધાં પ્રાણીઓના હ્રદયમાં રહીને એમને ફરતાં રાખે છે. આપણા શરીરમાં જેટલા રક્તકણ છે તે શરીરમાં જ રહેવા માટે લાચાર છે. કહેવાય છે કે આપણી શક્તિ એમની અંદર છે અને આપણે એમને સંચાલિત કરીએ છીએ, પરંતુ તેઓ પોતાના સ્થાને રહીને પણ પોતાનાં કાર્યોમાં સ્વતંત્ર છે.
એવી જ રીતે ઈશ્વર દ્વારા નિયુક્ત સ્થાન પર રહીને સંસારમાં આપણા આવવાનાં ઉદ્દેશ્યને પૂર્ણ કરતાં કરતાં મનુષ્ય પોતાનાં બીજાં કાર્યોમાં સ્વતંત્ર છે. આ જ છે મનુષ્યનું કર્મ સ્વાતંત્ર્ય. એટલે જ ભગવાને ‘કર્મણ્યેવાધિકારસ્તે’ કહ્યું છે. આપણો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે, સ્વભાવ પરિવર્તન યા ઈશ્વરે આપેલા સ્થાનના પરિવર્તનમાં નથી.
‘ મા ફલેષુ કદાચન્’ ફળમાં તારો અધિકાર જરા પણ નથી. તેથી મનુષ્ય એ ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું.
-અખંડ જ્યોતિ, જુલાઈ – ૧૯૪૦, પેજ-૧૫
પ્રતિભાવો