૧. ઈશ્વરનું વિરાટ રૂપ |GP-1. ઈશ્વરનું વિરાટ રૂપ | ગાયત્રી વિદ્યા
December 5, 2008 Leave a comment
ઈશ્વરનું વિરાટ રૂપ
‘ૐ ભૂર્ભુવ:સ્વ:’ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||
ભૂર્ભુવ: સ્વસ્ત્રયો લોકા વ્યાપ્તમોમ્બ્રહ્મ તેષુ હિ |
સ એવ તથ્યતો જ્ઞાની યસ્તદ્દવેત્તિ વિચક્ષણ: ॥
અર્થાત્ – “ભૂ: ભુવ: સ્વ: આ ત્રણ લોક છે.
એમાં ‘ઓઉમ્’ બ્રહ્મ વ્યાપ્ત છે.
જે આ જાણે છે, વાસ્તવમાં તે જ જ્ઞાની છે.”
ભૂ: (પૃથ્વી) ભુવ: (પાતાળ) સ્વ: (સ્વર્ગ) આ ત્રણેય લોક પરમાત્માથી પરિપૂર્ણ છે. આ રીતે ભૂ: (શરીર) ભુવ: (સંસાર) સ્વ: (આત્મા) આ ત્રણેય પરમાત્માનાં ક્રીડાસ્થળ છે. આ બધા સ્થળોને, નિખિલ વિશ્વ બ્રહ્માંડને, ભગવાનનું વિરાટ રૂપ સમજીને, એ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જે ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાને પોતાનું વિરાટ રૂપ દર્શાવી અર્જુનને પ્રાપ્ત કરાવી હતી.
પ્રત્યેક જડ, ચેતન પદાર્થમાં, પ્રત્યેક પરમાણુંમાં, ભૂ: ભુવ: સ્વ: માં, સર્વત્ર ‘ઓઉમ્’ બ્રહ્મને વ્યાપેલો જોવો, પ્રત્યેક વસ્તુમાં વિશ્વવ્યાપી પરમાત્માનું દર્શન કરવું એ એક એવી આત્મિક વિચાર પદ્ધતિ છે, જેના દ્વારા વિશ્વસેવાની ભાવના ઉત્પન્ન થાય છે. આ ભાવનાને કારણે સંસારના પ્રત્યેક પદાર્થ તેમજ જીવની બાબતમાં એક એવી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, જેને કારણે અનુચિત સ્વાર્થ સાધવાનો નહિ, પરંતુ સેવાનો જ કાર્યક્રમ બને છે. એવી વ્યક્તિ પ્રભુની આ સુરમ્ય વાટિકાના કોઈ પણ સાથે અનુચિત અથવા અન્યાયી વ્યવહાર કરી શકતી નથી.
કર્તવ્યશીલ પોલીસ, ન્યાયાધીશ અથવા રાજાને સામે ઊભેલો જોઈ કોઈ પાકો ચોર પણ ચોરી કરવાનું કે કાયદો તોડવાનું સાહસ કરી શકતો નથી. આ રીતે જે વ્યક્તિના મનમાં એ ભાવના દ્રઢતાપૂર્વક સમાયેલી હોય કે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે અને હજાર આંખોથી એનાં દરેક વિચાર અને કાર્યને જોઈ રહ્યા છે તો તે ગુપ્ત કે પ્રકટ રૂપે કોઈ પાપ કરવાની હિંમત કરી શક્તો નથી.
પ્રતિભાવો