બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | GP-2. બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ | ગાયત્રી વિદ્યા
December 6, 2008 Leave a comment
બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ
ગાયત્રી મંત્રનો પહેલો અક્ષર : “તત્”
બ્રહ્મજ્ઞાનને પ્રાપ્તિ અને તેના પ્રચારનું શિક્ષણ આપે છે.
તત્ત્વજ્ઞાસ્તુ વિદ્વાન્સો બ્રાહ્મણા:સ્વતપોબલૈ:|
અન્ધકારમપાકુર્યુ: લોકાદજ્ઞાન સંભવમ્ ॥
એટલે – “તત્વદર્શી, વિદ્વાન બ્રાહ્મણ પોતાના તપ દ્વારા
સંસારના અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરે.” અંધકારમાં અનેક પ્રકારના ભય, ત્રાસ અને વિઘ્ન છુપાયેલાં રહે છે. દુષ્ટ તત્વોને અંધકારમાં તક મળે છે. આ વિધાને અંધકાર કહેવામાં આવે છે. આ વિધાનો અર્થ “અક્ષરજ્ઞાનની જાણકારીનો અભાવ” એવો નથી, પરંતુ “જીવનની લક્ષ્યભ્રષ્ટતા” છે. એને નાસ્તિક, અનીતિ, માયા, ભ્રાન્તિ, પશુતા વગેરે નામો અપાયાં છે. આ બૌદ્ધિક અંધકારમાં, આધ્યાત્મિક રાત્રિમાં વિહાર કરનારો જીવ ભ્રમિત – પતિત થઈને ઈશ્વરે નિર્ધારિત કરેલા ધર્મ, નીતિ, લક્ષ્ય, આચરણ અને કર્તવ્યથી વિમુખ થઈને એવાં કામો કરે છે, જે એના માટે વિવિધ પ્રકારનાં દુ:ખો ઉત્પન્ન કરે છે.
ઉપર્યુક્ત શ્ર્લોકમાં ‘જ્ઞાની બ્રાહ્મણ’ ને એવો આદેશ આપવામાં આવ્યો છે, કે તે તપશ્ચર્યા દ્વારા સંસારનાં સમસ્ત દુ:ખોનાં મૂળ કારણ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે. અહીં ‘બ્રાહ્મણ’ શબ્દ કોઈ વર્ગ વિશેષ માટે પયોજાયો નથી. આત્માનો સૌથી પ્રધાન ગુણ બ્રહ્મનિષ્ઠા અને આધ્યાત્મિકતા છે. આ ગુણ જેનામાં જેટલા પ્રમાણમાં વધારે – ઓછા છે, તે એટલી જ ઓછી-વત્તી માત્રામાં બ્રાહ્મણ છે. જેના આત્મામાં જેટલું બ્રાહ્મણત્વ છે, તે તેટલો જ તપસ્વી, દૂરદર્શી અને તત્વજ્ઞાની હોય છે. આ બ્રાહ્મણત્વને ગાયત્રીએ સર્વ પ્રથમ પડકાર ફેંકયો છે, આહ્વાન આપ્યું છે કે પોતાના અને બીજાઓના કલ્યાણને માટે બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ ફેલાવી વ્યાપક અંધકારને દૂર કરવો એ તારું પરમ પવિત્ર કર્ત્તવ્ય છે.
દીપક પોતે બળે છે ત્યારે તેનો પ્રકાશ ચારેય બાજુ ફેલાય છે અને એનાથી ઘણે દૂર સુધીનો અંધકાર નાશ પામે છે. તપ, દૂરદર્શિતા અને તત્વજ્ઞાનનો દ્રષ્ટિકોણ અપનાવવાથી જે અંતર્જ્યોતિ ઉત્પન્ન થાય છે, તેનાથી જનતાના અંત:કરણોમાં સત્યનો પ્રકાશ પ્રજ્વલિત થાય છે. લોકકલ્યાણ અને આત્મોદ્ધારનો આનાથી સારો બીજો કોઈ માર્ગ હોઈ શકે નહિ. બ્રહ્મજ્ઞાન જ સંસારનું સૌથી મોટું દાન છે.
પ્રતિભાવો