ગાયત્રી મંત્રનો ત્રીજો અક્ષર : “વિ” | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
December 9, 2008 Leave a comment
ધનનો સદુપયોગ
ગાયત્રી મંત્રનો ત્રીજો અક્ષર : “વિ” આપણને ધનનો સદુપયોગ
કેવી રીતે કરવો તેનો ઉપદેશ આપે છે.
“વિત્તશક્ત્યા તુ કર્તવ્યા ઉચિતાભાવપૂર્તય : | ન તુ શક્યા તયા કાર્ય દર્પોદ્રિત્યપ્રદર્શનમ્ ॥
અર્થ – “ધન ઉચિત અભાવોની પૂર્તિ કરવા માટે છે, તેના વડે અહંકાર તથા અયોગ્ય કાર્યો થવાં જોઈએ નહિ.”
ધન ઉપાર્જન કરવા પાછળ એક જ દ્રષ્ટિ હોવી જોઈએ કે તેનાથી આપણા અને અન્ય લોકોના અભાવોની પૂર્તિ થાય. શરીર, મન બુદ્ધિ તથા આત્માના વિકાસ માટે તથા સાંસારિક જવાબદારીઓની પૂર્તિ માટે ધનનો ઉપયોગ થવો જોઈએ અને તે હેતુ માટે જ કમાવુ જોઈએ.
જેમાં માનવીનો સંપૂર્ણ શારીરિક તથા માનસિક શ્રમ જોડાયો હોય, જેમાં કોઈ બીજાના હકનું પડાવી લેવામાં આવ્યું ન હોય, જે મેળવવામાં ચોરી, છળકપટ, અન્યાય, શોષણ વગેરેનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય, તે જ ધન કમાવાનો યોગ્ય માર્ગ છે. જે ધન મેળવવામાં આપણું સન્માન હણાતું ન હોય અને રાષ્ટ્રનું અહિત ન થતું હોયા તેવી કમાણી દ્વારા મેળવેલું ધન ફૂલે-ફાલે છે અને માનવીની સાચી ઉન્નતિ સાધે છે.
જેવી રીતે ધન કમાવામાં તેના ઔચિત્યનું ધ્યાન રાખવાની જરૂર છે, તેટલી જ જરૂર ધન વાપરવામાં અને તેનો ઉપયોગ કરવામાં છે. ધન ખર્ચવામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. પોતાના અને પોતાના કુટુંબીજનોના આવશ્યક વિકાસ કરવા માટે જ ધનનો ઉપયોગ કરવો તે જ કર્ત્તવ્ય છે. મોટાઈ અને અમીરી બતાવવા તથા દુર્વ્યસનોની પૂર્તિ માટે ધનનો વ્યય કરવો તે મનુષ્યની અવનતિ, અપ્રતિષ્ઠા તથા દુર્દશાનું કારણ બને છે.
પોતાની જરૂરી શારીરિક, માનસિક, આત્મિક તથા સાંસારિક જરૂરિયાતોની ઉપેક્ષા કરીને જે લોકો વધુને વધુ ધન ભેગું કરવાની તૃષ્ણામાં ડૂબેલા રહે છે તથા પોતાની સાત પેઢી માટે અમીરી મૂકી જવાનું વિચારે છે તેઓ ભયંકર ભૂલ કરે છે. હરામનું ધન મળતાં ભાવિ સંતાનો આળસું, વ્યસની, અપવ્યયી તથા દુર્ગુની પાકે છે. પરસેવો પાડીને જેઓ પૈસા કમાયા નથી, તેઓ પૈસાનું મૂલ્ય પણ સમજતા નથી. બાળકોને માટે ધન ભેગું કરીને મૂકી જવાને બદલે બાળકોને સુશિક્ષિત, સ્વસ્થ તથા સ્વાવલંબી બનાવવામાં ખર્ચ કરવો વધારે યોગ્ય છે..
પ્રતિભાવો