આફતોમાં અને આપત્તિઓમં ધૈર્ય | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા

ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર : તુર્ આફતોમાં અને

આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.

“તુષારાણાં પ્રપાતેડિપ યત્નો ધર્મસ્તુ ચાત્મન: | મહિમા ચ પ્રતિષ્ઠા ચ પ્રોક્તા પરિશ્રમસ્ય હિ ॥

એટલે કે દુ:ખી દશામાં પણ શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરવો એ આત્માનો ધર્મ છે. પ્રયત્નનું મહત્વ અને પ્રતિષ્ઠા અપાર ગણવામાં આવે છે.

માનવીના જીવનમાં વિપત્તિઓ, પ્રતિકૂળ પરિસ્થિતિઓ, નુકસાન અને દુ:ખની ઘટનાઓ આવતી જ રહે છે. જેવી રીતે કાળચક્રમાં રાત્રિ અને દિવસ છે તેવી જ રીતે સંપત્તિ અને વિપત્તિ, સુખ અને દુ:ખ પણ જીવનરથનાં બે પૈડાં છે. બંને માટે માનવીએ નિ:સ્પૃહી બની તૈયાર રહેવું જોઈએ. દુ:ખમાં રડવું અને સુખના મદમાં છકી જવું એ બંને અયોગ્ય છે.

આશાના મિનારા તૂટી પડતાં નિરાશા, ચિંતા, ભય, ગભરામણ, ઉત્પન્ન કરનારી પરિસ્થિતિઓમાં પણ માનવીએ તેનું માનસિક સમતોલપણું ટકાવી રાખવું જોઈએ. ધીરજ રાખી સજાગતા, બુદ્ધિ, શાંતિ અને દૂરદર્શિતા સાથે મુશ્કેલીઓ નિવારવા પ્રયત્ન કરવો જોઈએ. જે મુશ્કેલીઓમાં પણ હસતો રહે છે, જે નાટકનાં પાત્રોની જેમ જીવનનો ખેલ ખેલી શકે છે તેને સ્થિર બુદ્ધિનો માની શકાય.

સંજોગવશાત્ ખરાબ દિવસો તો આવે છે, પણ તે અનેક અનુભવો, ગુણો તથા સહનશીલતાનું શિક્ષણ આપી જાય છે. મુશ્કેલીઓ માનવીને દસ ગુરુઓ કરતાં પણ મહાન શિક્ષણ આપી જાય છે. આ મુશ્કેલીઓ વધારે મોટું આપણા વિવેક અને પુરુષાર્થને પડકારવા આવે છે અને જેઓ આ પરીક્ષામાં પાસ થાય છે તેમના ગળામાં કીર્તિ અને પ્રતિષ્ઠાનો હાર પણ પહેરાવતી જાય છે.

એટલા માટે માનવીનું કર્ત્તવ્ય છે કે ભૂતકાળ પ્રત્યે દુર્લક્ષ્ય સેવે, વર્તમાન માટે સજાગ રહે અને ભવિષ્ય માટે નિર્ભય રહે.માનવીએ સારામાં સારાં પરિણામો માટે આશા રાખવી જોઈએ, પણ ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓ ભોગવવા તૈયાર પણ રહેવું જોઈએ. સંપત્તિ અને વિપત્તિ, કોઈ પણ દશામાં માનસિક સમતોલન ગુમાવવું જોઈએ નહિ. વર્તમાનની સરખામણીમાં ઉત્તમ સ્થિતિમાં પહોંચવા સંપૂર્ણ પ્રયત્ન કરવો એ તો આત્માનો ધર્મ છે, પરંતુ મુશ્કેલીઓથી ગભરાઈ જવું એ આત્માના ગૌરવને છાજતું નથી.

માનવીના જીવનમાં દુ:ખ અને મુશ્કેલીઓનું ઘણું મહત્વનું સ્થાન છે. મુશ્કેલીઓના ગર્ભમાં કુદરતના ક્રર વર્જાઘાતોમાં જ પ્રગતિઅનું રહસ્ય છુપાયેલું છે. જો રોજ સરળતા અને અનુકૂળતા જ રહે તો ચેતના ઘટતી જશે અને માનવી ધીમેધીમે આળસુ અને નકામો બનતો જશે. આવી સ્થિતિમાં તેના મનમાં એક પ્રકારની હતાશા ઉદ્દભવશે, જેથી ઉન્નતિ, સંશોધન, મહત્વાકાંક્ષાઓનો માર્ગ રુંધાઈ જશે. જયાં સુધી દુ:ખનો કોઈ અનુભવ નહિ થાય ત્યાં સુધી સુખમાં કોઈ આનંદ મળશે નહિ. રાત્રિ ન હોય અને કાયમ દિવસ જ હોય તો, એ દિવસથી શો આનંદ મળે? જો ખારો, ખાટો, તિખો, કડવો તથા તૂરા સ્વાદ જ ન હોય, હંમેશાં માત્ર ગળ્યું જ ખાવાનું મળે, તો કોઈવાર એ ગળપણ પણ ગમતું નથી. આ રીતે જો દુ:ખ હોય તો જ આપણે સુખની અનુભૂતિ કરી શકીએ. દુ:ખને આપણે અવગણીએ છીએ, પણ ખરી રીતે પ્રગતિનું સાધન તે જ છે.

સંસારમાં જેટલા મહાપુરુષો પેદા થયા છે તેમની મહાનતા, યશ, પ્રતિષ્ઠા વગેરે માત્ર તેમની સહનશક્તિના આધારે જ છે. રાજા હરિશ્ચંદ્ર જો ભંગીને ત્યાં વેચાયા ન હોત તો તેઓ પણ સામાન્ય રાજાની જેમ ખપી ગયા હોત, તેમનું નામ પણ કોઈ ન જાણતું હોત ! દધીચિ, શિબિ,પ્રહલાદ, મોરધ્વજ, સીતા, દમયંતી, દ્રૌપદી, કુંતી વગેરેના જીવનમાં જો મુશ્કેલીઓ ન આવી હોત, તે લોકો જો ભોગ-વિલાસનું જીવન વ્યતીત કરતા હોત, તો તેમની મહાનતાનું કોઈ કારણ જ ન હોત. દુર્ગમ પર્વતો પર ઊગતાં વૃક્ષો જ વિશાળ ઘેરાવાંવાળા અને ઘણાં વર્ષો ટકનારા હોય છે, જે બગીચાને દરરોજ સીંચવામાં આવે છે તે થોડા જ દિવસોમાં જ કરમાઈ જઈ પોતાની જીવનલીલા સમાપ્ત કરી દે છે. જે સમાજ અને રાષ્ટ્ર પરિશ્રમી અને સહનશીલ છે તે જ પ્રગતી કરે છે અને વિજય મેળવે છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે જાતીઓ ભોગવિલાસમાં ડૂબી ગઈ તેમને થોડાક વર્ષોમાં જ ગરીબી અને ગુલામી ભોગવવી પડી છે.

આપણા પૂર્વજો સહનશીલતાના મહાન લાભોથી માહિતગાર હતા, તેથી જ તેમણે વિદ્યાભ્યાસને જીવન વ્યવસ્થામાં મુખ્ય સ્થાન આપ્યું હતું. કઠોર શિસ્ત અને તપના કાર્યક્રમો અનુસાર તેઓ દુઃખો સામે લડવાની ટેવ પાડતા હતા. યુદ્ધસ્થળમાં લડતાં પહેલાં જવાનોને ઘણા લાંબાગાળા સુધી યુદ્ધકૌશલની તાલીમ મેળવવી જ પડે છે. રાજા, જાગીદારોનાં બાળકો પણ પ્રાચીનકાળથી વિદ્યાભ્યાસ માટે ઋષિઓનાં ગુરુકુળમાં જતાં હતાં અને કઠોર શ્રમજીવી દિનચર્યા અપનાવી ભણતાં હતાં. જેવી રીતે સરોવરને પાર કરવાની તક મળતાં તરવૈયાને ઘણો ઉત્સાહ અને આનંદ થાય છે તેવી જ રીતે કષ્ટમય જીવનથી ટેવાયેલા લોકોને નાનીમોટી મુશ્કેલીઓ અને દુઃખો સામે લડવામાં પોતાના પૌરુષ અને ગૌરવના વિકાસની ઉમદા તક દેખાય છે. આનાથી ઊલટું જે લોકો માત્ર સુખ જ ઈચ્છે છે તેઓ સાવ ન ગણ્ય મુશ્કેલીઓમાં પણ ગભરાટ, ચિંતા, બેચેની તથા દુઃખ અનુભવે છે, જાણે કે તેમના માથા પર કોઈ મોટું વજ્ર ન પડ્યું હોય !

મુશ્કેલીઓ પ્રત્યેક માનવીના જીવનમાં આવે છે. તેમનું આવવું જરૂરી છે અને અનિવાર્ય પણ છે. પ્રારબ્ધ કર્મભોગનો બોજો ઉતારવા માટે જ નહિ, પણ માનવીની મનોભૂમિ અને અંતરાત્માને સુદઢ, તીક્ષ્ણ, પવિત્ર, પ્રગતિશીલ, અનુભવી અને વિકસિત કરવા માટે પણ દુઃખો અને મુશ્કેલીઓની જરૂર છે જ. જેવી રીતે પરમાત્મા માનવી પર દયા કરીને કેટલાય પ્રકારની ભેટ, વરદાન આપ્યા કરે છે તેવી જ રીતે દુઃખ અને મુશ્કેલીઓનું આયોજન પણ કરે છે, જેથી માનવીનું અજ્ઞાન, અભિમાન, આળસ, લોભ તથા અપવિત્રતાનો નાશ થાય.

મુશ્કેલીઓ આવવાથી નિરાશ, સૂનમૂન કે કાયર બની જવું અથવા હાથપગ પછાડવા, મોં ફુલાવવું, રડવાનું શરૂ કરી દેવું, પોતાની જાતને કે બીજાને દોષિત ગણવા તે સાવ અયોગ્ય છે. આ તો ભગવાનની એ મહાન કૃપાનું અપમાન થયું, તેના વરદાનનો તિરસ્કાર થયો. આ રીતે તો એ મુશ્કેલી લાભ આપી શકે નહિ. પણ અવળી અસર કરી નિરાશા, કાયરતા, શોક, ગરીબી વગેરેનું કારણ બની જશે. મુશ્કેલી જોઈ ડરી જવું, પ્રયત્ન છોડી દેવો, ચિંતા કે શોક કરવાં એ કોઈ સાચા માનવી માટે શોભાસ્પદ નથી. મુશ્કેલીઓ એક રીતે આપણા પુરુષાર્થ માટે પરમાત્માનો પડકાર છે, જેનો સ્વીકાર કરી આપણે પ્રભુના પ્રિય બની શકીએ છીએ. અખાડાનો ઉસ્તાદ પહેલવાન નવા શિખાઉ વિદ્યાર્થીને કુસ્તીના દાવ શીખવતાં તેને પટકી દઈ દાવપેચ શિખવાડે છે. વિદ્યાર્થી આ રીતે પટકવાથી દુઃખી થવાને બદલે પોતાની ભૂલ સમજી ફરીથી ઉસ્તાદ સાથે લડે છે અને ધીમે ધીમે તે પાકો પહેલવાન બની જાય છે. ઈશ્વરે એક આવો જ ઉસ્તાદ છે, જે મુશ્કેલીઓની લપડાક મારી મારીને આપણી અનેક ભૂલો સુધારી આપણને પૂર્ણતા સુધી પહોંચાડવાની મોટી કૃપા કરે છે.

મુશ્કેલીઓથી ગભરાવવાની કે ડરવાની કોઈ જરૂર નથી. તે તો આ સૃષ્ટિની ખૂબ જ જરૂરી, ઉપયોગી અને અનિવાર્ય ઘટના છે. આનાથી દુઃખી થવાની જરૂર નથી, વ્યાકુળ થવાની પણ જરૂરે નથી અને કોઈના પર દોષારોપણ કરવાની પણ જરૂર નથી. પ્રત્યેક મુશ્કેલીનો પ્રસંગ ટળી ગયા બાદ પરિસ્થિતિઓ સામે ઝઝુમવાનો અને પ્રતિકુળતા હઠાવી અનુકૂળતા ઉત્પન્ન કરવાનો ઉમંગભર્યો પ્રયત્ન નવા સાહસ સાથે ચોક્કસ કરવો જોઈએ. આ પ્રયત્ન આત્માનો ધર્મ છે. એ ચુક્યા એટલે આપણે અધર્મી બન્યા. પ્રયત્નનો મહિમા અપાર છે, મુશ્કેલીઓ દ્વારા જે દુઃખ પડે છે તેની સરખામણીમાં એ ખાસ સમયમાં ચોક્કસ પ્રકારનો પ્રયત્ન કરવાની જે તક મળે છે તેનું મહત્વ વધારે છે. પ્રયત્નશીલતા આત્માની ઉન્નતિનું મુખ્ય સાધન છે અને મુશ્કેલીઓ આ પ્રયત્નશીલતાને ઝડપી ગતિએ વધારી આપે છે.

પ્રયત્ન, પરિશ્રમ અને કર્તવ્યપાલનથી માનવીના ગૌરવ અને વૈભવનો વિકાસ કરે છે. જેઓ આનંદમય જીવનનો રસ ચાખવા માગતા હોય તેમણે મુશ્કેલીઓ સામે નિર્ભય બનીને પોતાના કર્ત્તવ્યપથ પર દ્રઢ બની પ્રયાસ કરવો જોઈએ અને હસતે મોંએ પરિસ્થિતિઓનો સામનો કરવો જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: