ગાયત્રી મહામંત્રનો પાંચમો અક્ષર ‘વ’ | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા
December 12, 2008 Leave a comment
નારીની મહાનતા
ગાયત્રી મહામંત્રનો પાંચમો અક્ષર ‘વ’
નારીજાતિની મહાનતા અને તેના વિકાસની સમજ આપે છે.
વદ નારીં વિના કોડન્યો નિર્માતા મનુ સન્તતે | મહત્ત્વં રચના શકતે: સ્વસ્યા: નાર્યાહિ જ્ઞાયતામ્ ॥
એટલે કે ‘મનુષ્યનું સર્જન કરનાર નારી જ છે. નારીએ પોતાની શક્તિનું મહત્વ સમજવું જોઈએ.’
નારીથી જ મનુષ્ય ઉત્પન્ન થાય છે. બાળકની પ્રથમ ગુરુ માતા જ હોય છે. પિતાના વીર્યનું એક બુંદ જ નિમિત્ત માત્ર હોય છે, બાકી બાળકનાં બધાં જ અંગ,ઉપાંગ માતાના લોહીથી બને છે. તે લોહીમાં જેવી સ્વસ્થતા, પ્રતિભા, વિચારધારા અને અનુભૂતિ હશે તે મુજબ બાળકનું શરીર, બુદ્ધિ અને સ્વભાવ બનશે. નારી જો અસ્વસ્થ, અશિક્ષિત, અવિકસિત, પરાધીન, સંકુચિત અને નિર્દયી રહેશે, તો તેના દ્વારા જન્મેલું બાળક પણ એવા જ દોષોથી ભરેલું હશે. હલકી જમીનમાં સારો પાક પાકી શકતો નથી.
જો મનુષ્ય જાતિ ઉન્નતિ ઈચ્છતી હોય તો પ્રથમ નારીને શારીરિક બૌદ્ધિક, સામાજિક, આર્થિક એમ બધી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને સુવિકસિત બનાવવી પડશે, તો જ મનુષ્યોમાં સબળતા, સક્ષમતા, સદ્દબુદ્ધિ, સદ્દગુણ અને મહાનતાના સંસ્કારોનો ઉદય થઈ શકશે. નારીને પછાત રાખવી તે આપણા જ પગ ઉપર કુહાડી મારવા જેવું છે.
માનવસમાજ બે ભાગોમાં વહેંચાયેલો છે. (1). નર (2). નારી.
આજકાલ પુરુષની ઉન્નતિ, સુવિધા અને સુરક્ષા માટે પ્રયત્ન થાય છે, પરંતુ નારી બધાં જ ક્ષેત્રોમાં પાછળ છે, જેના કારણે આપણું અડધું રાષ્ટ્ર, અડધો સમાજ, અડધો પરિવાર, અડધુ જીવન પછાત રહી ગયું છે. જે રથનું એક પૈડું મોટું અન્દ બીજું નાનું હોય તે રથ સારી રીતે ચાલી શક્તો નથી. જયાં સુધી નારીને પણ પુરુષના જેટલી જ ક્રિયાશીલતા અને પ્રતિભા પ્રગટ કરવાની તક ન મળે ત્યાં સુધી આપણા દેશ, સમાજ અને જાતિને સાચા અર્થમાં વિકસિત કહી શકાય નહીં.
પ્રતિભાવો