સાચો ધર્માત્મા કોણ ?
December 21, 2008 Leave a comment
સાચો ધર્માત્મા કોણ ?
સાચા આધ્યાત્મિક મનુષ્યના હ્રદયમાં પ્રેમ, ઈમાનદારી, સત્યપરાયણતા, ઉદારતા, દયા, શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો ભાવ જાગે છે. આ બધા આત્માના સ્વાભાવિક ગુણ છે. એ જ મનુષ્યની સ્થાયી શક્તિઓ છે. આપણું સમગ્ર જીવન એ ગુણોના રંગે રંગાઈ ના જાય ત્યાં સુધી એમને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જે મનુષ્યમાં આ બધા ગુણો મોજૂદ છે તે જ સાચો આધ્યાત્મિક માણસ છે. આ સત્યના આધારે જ તે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે
ઈશ્વરભક્તિનો માર્ગ કોઈ ધર્મ વિશેષ યા કોઈ કર્મકાંડ પૂરતો સીમિત નથી. તે તો આત્માની ગંભીરતામાં વિધમાન છે.
માત્ર ઈશ્વર, ઈશ્વર એવું રટણ કરનારા ધર્માત્મા હોતા નથી. જે મનુષ્ય પરમાત્માના આદેશ પ્રમાણે અથવા એમણે બતાવેલા માર્ગ પર ચાલે છે તે જ માણસ ધર્માત્મા છે. ધન્ય છે એ માણસો કે જેઓ પરમાત્માનો અવાજ સાંભળે છે અને એ પ્રમાણે આચરણ કરે છે. જે આત્મા આ સુંદર જીવનમાં પદાર્પણ કરે છે એના માટે અંતર્જ્ઞાનના દરવાજા ખૂલી જાય છે. શુદ્ધ હ્રદયવાળા મનુષ્યોને જ પરમાત્માનાં દર્શન થાય છે. આ દર્શનમાં જે આનંદ છે તેનું વર્ણન કોણ કરી શકે?
અખંડજ્યોતિ , જાન્યુઆરી-1941, મુખપૃષ્ઠ
પ્રતિભાવો