સમયનું ઔષધીય રૂપ ?
January 1, 2009 Leave a comment
સમયનું ઔષધીય રૂપ ?
સમય એક પ્રવાહ છે. સમય એક ઔષધ છે. મોટા મોટા ઘા સમય જતાં રુઝાઈ જાય છે. સમય સતત બદલાતો રહે છે. સમય હંમેશા એકસરખો રહેતો નથી. ગતિ જ જીવનનું લક્ષણ છે.
આપણે કોઈ વિષમ પરિસ્થિતિથી ચિંતિત ન રહેવું જોઈએ. જરાક લાભ થવાથી ફુલાઈ જવું જોઈએ નહીં. ખરાબ અથવા સારી પરિસ્થિતિમાં ખુશ રહીએ. વિષમથી વિષમ પરિસ્થિતિ પણ એક દિવસ આનંદમાં ફેરવાઈ જાય છે.
આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને જીવન જીવીએ છીએ. ભવિષ્યમાં આવનારો દરેક દિવસ આપણા માટે વધારે ને વધારે સારો બનશે. રાત દિવસ શોકરૂપી પાપને દૂર કરે છે.
બુદ્ધિશાળીઓ, મનને દુ:ખી ના કરવું જોઈએ. દુ:ખ એક કાતિલ ઝેર છે. સમય પોતે તમારાં દુ:ખોને દૂર કરી દેશે. તમારી મુશ્કેલીનો સમય વીતી જશે. જીવન પર જે કાળાં કાળાં વાદળો છવાયેલાં છે તે આપમેળે દૂર થઈ જશે. ચારેબાજુ આનંદ અને આનંદ છવાઈ જશે. ભવિષ્ય ઉજ્જવળ છે.
હે મનુષ્ય, દીનતાને છોડી દે. તારી અંદર જે ધીરજનો ગુણ છે એને ધારણ કર. યાદ રાખ, દુ:ખ પછી સુખ આવતું જ રહે છે. સુખ હોય કે દુ:ખ તે પ્રિય હોય કે અપ્રિય, છતાં જ્યારે જ્યારે જીવનમાં તે આવે ત્યારે અપરાજિત હ્રદયથી એને ભોગવો.
-અખંડજયોતિ, ડીસેમ્બર-1957 પેજ-21-22
પ્રતિભાવો