વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-03)
January 13, 2009 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ
અમારું હ્રદય, મન અને સંકલ્પ એક જ હોય, જેનાથી અમારું સંગઠન ક્યારેય બગડે નહીં.
સમાની વ આકૂતિ: સમાના હ્રદયાનિ હ: | સમાનમસ્તુ વો મનો યથા વ: સુસહાસતિ ॥ (ઋગ્વેદ ૧૦/૧૯૧/૪ )
સંદેશ :- સંગઠન, સહયોગ અને મૈત્રીભાવ સ્વસ્થ સમાજનું આવશ્યક અંગ છે. સમાજમાં દરેક પ્રકારના માણસો હોય છે. મૂર્ખ-વિદ્વાન, રોગી-સ્વસ્થ, નાસ્તિક-આસ્તિક, ભોગી-ત્યાગી વગેરે પરસ્પર વિરોધી પ્રકૃતિના માણસો ચારે બાજુ દેખાય છે. દરેક માણસનો દ્રષ્ટિ કોણ, વિચાર, અનુભવ, અભ્યાસ, જ્ઞાન, સ્વાર્થ, રુચિ અને સંસ્કાર જુદા જુદા હોય છે. એટલે બધાનું વિચારવાનું એક પ્રકારનું હોતું નથી. એટલે એ જરૂરી છે કે દરેક માણસ બીજાના પ્રત્યે સહિષ્ણુ અને ઉદાર હોય. જરા પણ મતભેદ રાખનારાને મૂર્ખ, અજ્ઞાની, દુરાગ્રહી, દુષ્ટ અથવા વિરોધી માની લેવો યોગ્ય નથી. સહિષ્ણુતા જ સંગઠનનો પ્રાણ છે, તેના આધાર ઉપર સમાજમાં બધાના હ્રદય, મન અને સંકલ્પ એક જ દિશામાં ચાલે છે અને દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય છે.
અસહિષ્ણુતાથી સમાજમાં ઠગાઈ, વિશ્વાસઘાત, ક્રોધ, વેરઝેર વગેરે બુરાઈઓ જન્મે છે અને અરાજકતાનું વાતાવરણ બની જાય છે. ચારે બાજુ દાદાગીરી, ગુંડાગીરી, લુચ્ચાઈ, પ્રપંચનો ભય સમાજમાં ફેલાઈ છે. જન જીવન અસુરક્ષિત અને અશાંત થઈ જાય છે. આજે બધી બાજુ આ જોવા મળે છે.
સંગઠનનો અત્યંત સુંદર આદર્શ આપણને ભગવાન શિવશંકરના જીવનમાં મળે છે. આંધળા, લંગડા, કોઢ વાળા, રોગી બધાને એક સરખાં માનીને પોતાની સાથ રાખવાનું તેઓમાં સામર્થ્ય હતું. સર્પના જેવા બીજાને ડસીને તેનું અહિત કરવાની કુભાવનાથી ઘેરાયેલા લોકોને તેઓએ પોતાના વશમાં રાખ્યા હતા અને પોતાના ગળાનો હાર બનાવેલ. આ રીતે વિવિધ અને વિપરિત પ્રકૃતિના માણસોને એક સૂત્રમાં બાંધી સમાજ માટે ઉપયોગી બનાવવાનો સંકલ્પ તેમણે ચરિતાર્થ કર્યો હતો. પોતે નગ્ન રહ્યા, ભસ્મ લગાવતા રહ્યા, પોતાની જરૂરિયાતોને ન્યૂનતમ રાખી, બધાના કલ્યાણાર્થે વિષ પીધું અને સાથે સમાજનાં દરેક વર્ગમાં સહયોગ, સહકાર અને સહિષ્ણુતાની ભાવનાને પ્રતિષ્ઠાપિત કરી.
સમાજ અને કુટુંબની સર્વતોમુખી પ્રગતિ માટે એ જરૂરી છે કે લોકો બીજાના વિચારોને મહત્વ આપે, સારી વાતોને માને અને ખોટી વાતોનો પ્રતિકાર કરે. પોતાનું સન્માન અને સહિષ્ણુતામાં સંગઠનની શક્તિ સમાયેલી છે.
આપણે જોઈએ છીએ કે ચોર, ડાકુ, બદમાશ, પોતાનું સંગઠન કેટલું સુદ્રઢ રાખે છે. કોઈપણ કશા જ પ્રકારનો મતભેદ કરતા નથી અને એકે કહી દીધું તે બીજા જીવનપર્યંત પૂરું કરે છે. કારણ એ હોય છે કે તેઓને પોતાના નેતાનો ભય રહે છે. જો તેઓ વિરોધ કરે, અસહયોગ કરે, તો સરદાર જાનથી મારી નાખે છે. આપણે પોતાના નેતાને, સરદારને બિલકુલ ભૂલી ગયા છીએ. આપણા નેતા અને સરદાર છે સર્વશક્તિમાન પરમેશ્વર. તે દંડ આપી શકે છે, આપે પણ છે. આ હકીકત બાજુ પર રાખવાથી સંસારમાં ઘણી ખરાબીઓ જન્મ લે છે અને ફૂલેફાલે છે
આપણા વિદ્વાનોમાં અને સમજદારોમાં બ્રાહ્મણત્વની ઓછપ આવવાથી જ આ પરિણામ આવ્યું છે.
પ્રતિભાવો