સત્સંગનું મહત્વ.
January 16, 2009 Leave a comment
સત્સંગનું મહત્વ.
જે જેવું સાંભળે છે તે સમય જતાં તેવો જ બની જાય છે. આજે તમે જે સારા ઉપદેશોને ધ્યાનપૂર્વક સાંભળો છો તેવા કાલે અવશ્ય બની જશો. સાંભળવાનું તાત્પર્ય પોતાની માનસિક પ્રવૃત્તિઓને દેવત્વ તરફ વાળવાનું છે.
એક વિદ્ધાને કહ્યું છે કે પાણી જેવી જમીન પર થઈને વહે છે તેવા જ ગુણોને તે ધારણ કરે છે. એ જ રીતે મનુષ્યનો સ્વભાવ પણ સારા કે ખરાબ વિચારો તથા લોકોની સોબત પ્રમાણે બદલાઈ જાય છે. તેથી સમજુ માણસ ખરાબ લોકોની મિત્રતા કરતાં ડરે છે, પરંતુ મૂર્ખ માણસ ખરાબ લોકોની સાથે ભળી જાય છે. મનુષ્યની કીર્તિનો આધાર એ કેવા લોકો સાથે ઊઠે બેસે છે તેના પર રહેલો છે. માણસનુ ઘર ભલે ગમે ત્યાં હોય, પરંતુ તેનું નિવાસસ્થાન તો તે જેવા લોકો સાથે ઊઠે બેસે છે અથવા કેવા વિચારોના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે તે છે.
આત્માની પવિત્રતાનો આધાર મનુષ્યનાં કાર્યો પર અને સંગતિ પર રહેલો છે. ખરાબ લોકો સાથે રહેનાર સારાં કામ કરે તે બહુ શક્ય નથી. ધર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, પરંતુ ધર્માચરણ કરાવનારી બુદ્ધિ સત્સંગ તેમજ સારા ઉપદેશોથી પ્રાપ્ત થાય છે. યાદ રાખો કે કુસંગથી વધારે નુકસાન કરનાર વસ્તુ બીજી કોઈ નથી તથા સારી સંગતિથી વધારે મોટો બીજો કોઈ લાભ નથી.
-અખંડજયોતિ, ડીસેમ્બર-1956 પેજ-17
પ્રતિભાવો