ભલું કરનાર જ સૌથી મોટો બુદ્ધિશાળી :
January 28, 2009 Leave a comment
ભલું કરનાર જ સૌથી મોટો બુદ્ધિશાળી :
ખરાબ લોકો એ મૂર્ખતાથી નથી ગભરતા જેને પાપ કહે છે. વિવેકવાન વ્યક્તિ હંમેશા પાપોથી દૂર રહે છે. દુષ્ટતાથી દુષ્ટતા જ ઉત્પન્ન થાય છે. એટલા માટે દુષ્ટતાને અગ્નિથી પણ ભયંકર સમજીને એનાથી ડરવું અને દૂર રહેવું જોઈએ. જેવી રીતે પડછાયો માણસને છોડતો નથી, પણ એ જ્યાં જ્યાં જાય છે ત્યાં એની પાછળ જ રહે છે, એવી રીતે પાપરૂપી કર્મ પણ પાપીનો પીછો કરે છે અને અંતે એનો સર્વનાશ કરી નાંખે છે. એટલા માટે સાવધાન રહો અને ખરાબ કામથી હંમેશાં દૂર રહો.
જે કામ ખરાબ છે એને ના કરો, કારણ કે ખરાબ કામ કરવાથી આપણા અંતરાત્માના શાપના અગ્નિમાં બળવું પડે છે. બધી વસ્તુઓને વધુ પ્રમાણમાં ભેગી કરવાની ઈચ્છાથી, વિષયવાસના અને અહંકાર પોષવાની ઝંખનાને લીધે લોકો કુમાર્ગે વળે છે, પણ એ બધી બાબતો તૃચ્છ છે. એનાથી ક્ષણિક સંતોષ મળે છે, પરંતુ બદલામાં અપાર દુ:ખ ભોગવવું પડે છે. ઝેરમાં મોરસ ભેળવી હોય એને લોભને વશ થઈ ખાનાર બુદ્ધિશાળી કહેવાતો નથી.
આ દુનિયામાં સૌથી મોટો બુદ્ધિશાળી, વિદ્ધાન, ચતુર અને સમજદાર એ છે, જે પોતાને કુવિચારો અને કુકર્મોથી દૂર રાખી સત્યના માર્ગે ચાલે છે. સન્માર્ગે ચાલે છે અને સુવિચારને ગ્રહણ કરે છે. એ બુદ્ધિશાળી માણસે આખી જિંદગી લાભ જ અપાવે છે અને પાપી માણસો એમનાં કુકર્મોને લીધે આખી જિંદગી દુ:ખમાં જ પસાર કરે છે. જીવનને સુખી અને શ્રેષ્ઠ બનાવવા સત્કર્મો કરો અને બીજા પ્રત્યે ભલાઈ રાખો. તમે બીજાનું ભલું કરશો તો કુદરત તમારું ભલું જ કરશે.
અખંડજ્યોતિ, નવેમ્બર-1946, પેજ-1
પ્રતિભાવો