સત્યનો પ્રકાશ
January 30, 2009 Leave a comment
સત્યનો પ્રકાશ
મેં આ દુનિયામાં ઘણી વસ્તુઓ જોઈ છે અને ઘણાં અનુભવો કર્યા છે, પરંતુ મને એવી કોઈ વસ્તુ નથી મળી કે જે સત્ય કરતાં વધારે સારી હોય. દુનિયામાં કેટલાય પ્રકારના પ્રકાશ છે, પરંતુ મહાપુરુષો ફક્ત સત્યના પ્રકાશને જ પ્રકાશ કહે છે, કદાપિ જૂઠું ન બોલવું એ ધર્મનું પાલન જો મનુષ્ય કરતો રહે તો બીજા ધર્મોનું પાલન આપોઆપ થવા લાગે છે. શરીર તો પાણીથી શુદ્ધ છે, પરંતુ મનની પવિત્રતા સાચું બોલ્યા વગર થઈ શકતી નથી. જેનું હ્રદય સત્યથી પવિત્ર બન્યું છે તે બીજાના હ્રદયો પર શાસન કરશે. જે સદૈવ સત્યપરાયણ રહે છે તે મહાન તપસ્વી છે. સિદ્ધિઓ એનાં ચરણોમાં જ આળોટે છે. માણસને સત્યવાદી કહેવામાં આવે એનાં કરતાં વધારે મોટી બીજી કઈ કીર્તિ એને મળી શકે?
સત્ય એ છે, જેની સાથે મધુર ભાષણ અને બીજાનું હિત કરવાની ભાવના જોડાયેલી હોય. જેનાથી બીજાને નુકશાન થતું હોય એના કરતાં તો એ જૂઠ સારું, જેનાથી બીજાઓનું હિત થતું હોય. જે વાત કહેવામાં તમારું મન ખચકાતું હોય અથવા જેનાથી મિથ્યાતત્વનો બોધ થતો હોય તેવું ના બોલશો, કારણ કે જૂઠૂં બોલવાથી તમારો જ આત્મા તમને શાપ આપશે.
સત્યને વળગી રહો. ન્યાયયુક્ત અને સાચું કામ કદી ડરશો નહિ. જે તમને યોગ્ય લાગતું હોય તે જ કરવાનો નિશ્ચય કરો અને એમાં અડગ રહો.
અખંડજ્યોતિ, જાન્યુઆરી-1942, પેજ-29
પ્રતિભાવો