વાતો નહીં, કામ કરો.
February 2, 2009 Leave a comment
વાતો નહીં, કામ કરો.
કાર્ય ન કરનાર માણસ એક પ્રકારનો શેખચલ્લી છે. એ મોટી મોટી યોજનાઓ બનાવે છે, મોટી મોટી વાતો કરે છે. શબ્દોની માયાજાળ એની પાસે ખૂબ છે. એ વાતો કરવામાં પહેલો અને કામ કરવામાં સૌથી પાછળ હોય છે. વાતો મણની કરશે, પણ કાર્ય એક રતીભાર પણ નહીં કરે. આવી વ્યક્તિઓ નિષ્ક્રિય, બેકાર, ખાલી વાતો કરવામાં એક્કા હશે. એમની પાસે મહાન કાર્ય કરવાની આશા રાખી શકાતી નથી.
એ જરૂરી છે કે તમે જે વિચારો, જે યોજનાઓ બનાવો એ એવી હોવી જોઈએ કે જેને તમે અમલમાં મૂકી શકો. યોજનાઓ બનાવતા પહેલાં વિચારો કે યોજના પ્રમાણે તમે કામ કરી શકશો. યોજના બનાવી છે તે પ્રમાણે કાર્ય કરવાની શક્તિ તમારામાં છે. તમારી શક્તિ બહારની તો વાત નથી વિચારતા ને? જે યોજના તમે બનાવી છે એની પૂર્તિ માટેનાં સાધનો તમારી પાસે છે? કેટલું ધન છે? કેટલા મિત્રો, કેટલા પરિજનો કે ભાઈઓ તમારી સાથે છે? આર્થિક, શારીરિક, ધાર્મિક તથા સામાજિક પરિસ્થિતિ કેવી છે? એના પર વિચાર કરીને જ કોઈપણ કામ હાથ ધરજો. કાર્યની સફળતા માટે તમારી માનસિક, શારીરિક તથા ક્રિયાત્મક શક્તિઓ અને કાર્યની ઉદ્દેશ્ય પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. માનસિક દ્રષ્ટિએ સક્રિય અને સતત જાગૃત રહો.
સંકલ્પ શક્તિનો વિકાસ અને સંચાલન કરવાં ખૂબ જરૂરી છે. આ બધી વાતો પર સારી રીતે વિચાર કર્યા પછી કાર્ય કરીએ તો અવશ્ય સફળતા મળે છે.
-અખંડજયોતિ, માર્ચ-1956 પેજ-18
પ્રતિભાવો