વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-05)
February 12, 2009 1 Comment
વેદોનો દિવ્ય સંદેશ
આ સંસારમાં ઉન્નતિ તે લોકો કરે છે, જે પરમાત્મા અને વિદ્વાનોને પ્રેમ કરે છે, સત્ય કર્મી, જ્ઞાની અને જીતેન્દ્રિય હોય છે. અત્યાર સુધી એમ જ થયું છે અને હવે પછી પણ એમ જ થશે.
सत्यं बृहद्दतम्ग्ने दीक्षा तपो ब्रहम यश: पृथिवीं धारयन्ति | सा नो भूतस्य भव्यस्य प्ल्युरुं लोकं पृथिवी न: कृणोतु ॥ (अथर्ववेद ૧૨/૧/૧)
સંદેશ :- ઉન્નતિ કોણ કરે છે? બહુ રૂપિયા, ધન એકઠું કરવું, બંગલા-મકાન, કારને સુખ સગવડની સાથે વસ્તુઓનો ઢગલો કરી લેવો. આજકાલ લોકો તેને ઉન્નતિ સમજે છે. અનીતિપૂર્વક સંપત્તિ કમાવવાની ચડસાચડસી શરૂ થઈ છે.
જ્યારે માનવી અને રાષ્ટ્ર બંને સાથે સાથે યશસ્વી હોય ત્યારે ઉન્નતિ થાય. રાષ્ટ્રની ઉન્નતિ માટે, તેને શક્તિશાળી અને ગૌરવપૂર્ણ બનાવવા માટે જરૂરી છે કે દેશના નાગરિકો તપસ્વી બને. કોઈ શ્રેષ્ઠ લક્ષ્યની પૂર્તિ માટે વચ્ચે આવનારી બધી મુશ્કેલીઓને ધૈર્ય પૂર્વક સહન કરતા આગળ વધવાનું નામ તપ છે. યક્ષે યુધિષ્ઠિરને તપનાં લક્ષણો પૂછ્યા હતાં તો તેઓએ કહેલું “તપ: સ્વકર્મવર્તિત્વમ્” – પોતાના કર્તવ્યને એકનિષ્ઠ થઈને પાલન કરવાનું નામ તપ છે અને તપનો સાર છે જીતેન્દ્રિયતા.ઈન્દ્રિનિગ્રહના અભાવમાં ઉન્નતિની કલ્પના થઈ શકે નહીં. જ્યાં સુધી માયા, મોહ, લોભ,સ્વાર્થ ઉપર વિજય મેળવીને રાષ્ટ્ર હિતની ભાવના બળવાન થતી નથી, ચારે બાજુ લૂંટફાટનું વાતાવરણ બની રહેશે,ત્યાં સુધી માનવી સુખ શાંતિથી ઘણે દૂર મૃગજળની જેમ ભટકેલો રહેશે.
ઉન્નતિ માટે સૌથી જરૂરી છે મહાન સત્યને જાણીને સત્યાચરણની દીક્ષા લેવી તે છે. એ નિર્વિવાદ સત્ય છે કે સમગ્ર બ્રહ્માંડ પરમેશ્વરે પ્રગટ કર્યું છે, તે તેના કણે કણમાં હાજર છે અને કરોડો વર્ષોથી તેને ગતિ આપે છે. આપણે પણ તે પરમેશ્વરના અંશ છીએ અને આપણાં કર્મોના જમા-ઉધાર તે પૂરી ઈમાનદારીથી રાખે છે અને તેમની ન્યાયકારી સત્તા કર્મફળને નક્કી કરે છે. આ જ્ઞાન આપણને સંયમની પ્રેરણા આપે છે અને આપણા આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ થાય છે.
ઇન્દ્રિયનિગ્રહ અને સત્યાચરણનો લાભએ થાય છે કે માનવી પોતાના શુદ્ર સ્વાર્થ ભાવનો ત્યાગ કરી લે અને દેશવાસીઓમાં રાષ્ટ્રભાવ જાગૃત થાય છે. બધા નાગરિકો બીજાના કષ્ટને પોતાનું કષ્ટ સમજીને તેના નિવારણમાં સહયોગ કરવા લાગે છે અને પરસ્પર એકબીજાની ઉન્નતિના સશક્ત આધાર બની જાય છે. સમગ્ર રાષ્ટ્રમાં આત્મીયતાની ભાવના બળવત્તર બને છે અને ત્યારે દેશમાં “બળમ્ ઓજશ્વ જાતમ્” પ્રાણશક્તિનો સંચાર કરે છે. જે રાષ્ટ્ર અને રાષ્ટ્રના બધા નાગરિકો ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી હોય છે, તેની આ ઉન્નતિની સમક્ષ સંસારના સારા સારા શક્તિશાળી રાષ્ટ્રો ઘૂંટણ ટેકવીને નત મસ્તક થઈ જાય છે.
બીજ નું શું મહત્વ છે? તે કોથળામાં બંધ ઘરના એક ખૂણામાં પડી રહે છે ત્યારે કશી કિંમત નથી હોતી. જ્યારે તેને ખેતરમાં વાવવામાં આવે છે ત્યારે થોડા સમયમાં તે એક વિશાળ વૃક્ષના રૂપમાં વિકસિત થાય છે. આ માટે તેને જાતે ઓગળવું પડે છે અને ખાતર પાણીના રૂપમાં સમાજને સહયોગ લેવો પડે છે. પોતાના સ્વાર્થ ભાવનો ત્યાગ અને સમાજનો આત્મિક સહયોગ, બંને મળીને ઉન્નતિના સુવર્ણ મય સોપાનનું નિર્માણ કરે છે. કોઈ એમ સમજે કે તે એકલું જ બધું કરી શકે છે, તો તે તેનો ખોટો ભ્રમ છે. બીજાના સહયોગ સાથે જાતે તપ અને સાધનાના કષ્ટ સહન કરતાં જ માનવી ઉન્નત્તિના માર્ગે ઉપર આગળ વધતો જાય છે.
આ પરમ પિતા પરમેશ્વરનું પોતાના પ્રિય પૂત્રોને સૂચન છે. તેને માટે તેઓએ સર્વગુણયુક્ત માનવ શરીરની રચના કરી છે અને તેને પોતાની બધી શક્તિઓથી વિભૂષિત કર્યો છે. દરેક સમયે તે તેઓને મદદ કરવા મળી રહે છે પણ શરત એ છે કે માનવીએ નિઃસ્વાર્થ ભાવથી પુરુષાર્થમાં લાગી રહેવાનું છે. ઉન્નતિ માટે ઈશ્વરની સત્તામાં પૂર્ણ વિશ્વાસ રાખીને પોતાની પૂર્ણ ક્ષમતા અને પ્રતિભાનું નિયોજન લોકહિતનાં કામો માટે કરવું જ જીવનનું મુખ્ય લક્ષ્ય છે.
વિદ્વાનોની એ જવાબદારી છે કે તેઓ સમાજને ઉન્નતિના એ સત્ય માર્ગ ઉપર આગળ ધપાવવા પ્રેરિત કરે. તેમ કરવાથી જ બ્રાહ્મણત્વનો નિર્વાહ થઈ શકશે.
બ્રાહ્મણત્વ ના 5 લેખો વાંચ્યા.
શારાંશ મા કહું છું, કે “” કોઇ જન્મે બ્રાહ્મણ હોય કોઇ કર્મે બ્રાહ્મણ હોય””.
ડૉ.સુધીર શાહ
LikeLike