પોતાની શક્તિઓનો વિકાસ કરો :
February 16, 2009 Leave a comment
પોતાની શક્તિઓનો વિકાસ કરો :
પરમેશ્વરે બધાને સરખી શક્તિઓ આપી છે. એવું નથી કે કોઈને વધારે યા ઓછી આપી હોય અથવા કોઈને અમુક ખાસ છૂટ મળી હોય. ભગવાનને ત્યાં અન્યાય નથી. બધી જ અદ્દભુત શક્તિઓ તમારી અંદર મોજૂદ છે. તમે એમને જાગૃત કરવા પ્રયત્ન કરતા નથી. કેટલીક શક્તિઓનો ઉપયોગ ન કરવાના કારણે તમે એમને કુંઠિત કરી નાખો છો. બીજો કોઈ માણસ એ શક્તિને કોઈક વિશેષ દિશામાં વાળીને એને વધારે પરિપુષ્ટ તથા વિકસિત કરી લે છે. પોતાની શક્તિઓને જાગૃત તથા વિકસિત કરવી અથવા એમને શિથિલ, અપંગ કે નિશ્ચેષ્ટ બનાવી દેવી તે તમારા હાથમાં છે. યાદ રાખો સંસારની દરેક ઉત્તમ વસ્તુ પર તમારો અધિકાર છે. જો તમે તમારા મનની સુપ્ત મહાન શક્તિઓને જાગૃત કરી લો અને લક્ષ્ય તરફ પ્રયત્ન, મહેનત અને ઉત્સાહપૂર્વક આગળ વધતાં શીખી લો તો તમે જેવું ઈચ્છો તેવું આત્મનિર્માણ કરી શકો છો.
મનુષ્ય જે વસ્તુની આકાંક્ષા રાખે છે, એના મનમાં જે મહત્વાકાંક્ષાઓ જાગે છે અને જે આશાપૂર્ણ તરંગો પેદા થાય છેતે અવશ્ય પૂર્ણ થાય છે, પણ એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તમે દ્રઢ નિશ્ચય દ્વારા તમારી પ્રતિભાને જાગૃત કરી લો.
તેથી પ્રતિજ્ઞા કરો કે તમે ભલે ગમે તેવા હો, ગમે તેવી સ્થિતિ અથવા ગમે તેવા વાતાવરણમાં હો, પરંતુ એક કામ અવશ્ય કરશો કે તમારી શક્તિઓને ઉચ્ચ બનાવો
-અખંડજયોતિ, જાન્યુઆરી-1948, પેજ-1
પ્રતિભાવો