સુખ માટે મનની શાંતિ અનિવાર્ય :
February 17, 2009 Leave a comment
સુખ માટે મનની શાંતિ અનિવાર્ય :
દરેક માણસનું જીવન હંમેશાં એને પોતાને આધીન હોય છે. જે કંઈ દુ:ખ કે સુખ આપણને મળે છે એમાં કર્મના સિદ્ધાંતોના વિશેષ નિયમ રહેલા છે. દુ:ખોનું કારણ વ્યક્તિ પોતે જ હોય છે. જો માણસ જાણી જોઈને, વહેમ, અજ્ઞાન, ભૂલો, અંધકાર અને દુ:ખોમાં જ પોતાનું આખું જીવન પસાર કરે અને પછી દુ:ખોની ફરિયાદ કરતો રહે તો શું એનું દુ:ખ દૂર થાય ખરું? સાચા અર્થમાં વિચારવામાં આવે તો સુખ માટે પોતાના મનની શાંતિ અને એકાગ્રતાની જ જરૂર છે.
એક માણસ એવો છે કે એ જ્યાં જાય છે ત્યાં એને આનંદ જ મળે છે. દરેક પ્રકારની પરિસ્થિતિ એને અનુકૂળ લાગે છે. બીજો માણસ એવો હોય છે, જે બધી વસ્તુમાં ખરાબ પાસું જ જુએ છે. દરેક વસ્તુ અને માણસના સંપર્કમાં આવતાં તે દુ:ખી જ જણાય છે. તે આ દુનિયાને રહેવા લાયક ગણતો નથી.
દુનિયામાં રહીને જાતજાતના અભાવ, વિઘ્ન, આધિ વ્યાધિ અને ઉપાધિનાં આક્રમણોથી બચવું શક્ય નથી, પણ એ પરિસ્થિતિમાં શાંતિ અને ધૈર્યથી રહેવું એ આપણા હાથની વાત છે.
બહારની વસ્તુઓના આધાર પર સુખની આશા રાખનાર થાપ ખાઈ જાય છે. એટલે જો તમે સુખી રહેવા માગતા હો તો પોતાના પર, પોતાના મન પર સંયમ રાખતાં શીખવું જોઈએ.
અખંડજ્યોતિ, ફેબ્રુઆરી-1958, પેજ-14
પ્રતિભાવો