૧૫. ચારિત્ર્ય – આપણી અમૂલ્ય સંપત્તિ :
February 22, 2009 Leave a comment
ચારિત્ર્ય – આપણી અમૂલ્ય સંપત્તિ :
સદ્દવિચારો અને સત્કર્મોની એકરૂપતાને જ ચારિત્ર્ય કહેવામાં આવે છે. જેઓ પોતાની ઇચ્છાઓને કાબૂમાં રાખે છે અને તેને સત્કર્મોનું રૂપ આપે છે, તેમને જ ચારિત્ર્યવાન કહી શકાય. સંયમિત ઇચ્છાશક્તિથી પ્રેરિત સદાચારનું જ નામ ચારિત્ર્ય છે. બીજી સંપત્તિઓ અસ્થાયી છે, જ્યારે ચારિત્ર્યની સંપત્તિ એ માનવ જીવનને સ્થાયી નિધિ છે.
જીવનની કાયમી સફળતાનો આધાર મનુષ્યનું ચારિત્ર્ય જ છે. આ આધાર વગર ગમે તે રીતે સફળતા મેળવી લેવામાં આવે તો તે વધુ સમય ટકતી નથી. સેવા, પરોપકાર, ઉદારતા, ત્યાગ, શિષ્ટાચાર, સદ્વ્યવહાર વગેરે ચારિત્ર્યનાં બાહ્ય અંગો છે, જ્યારે સદ્દભાવ, ઉત્કૃષ્ટ ચિંતન, નિયમિત વ્યવસ્થિત જીવન, શાંત ગંભીર મનોભૂમિ વગેરે ચારિત્ર્યનો પરોક્ષ અંગો છે. તમારા વિચારો, ઇચ્છાઓ, આકાંક્ષાઓ, આચરણ વગેરે જેવું હશે, તેને અનુરૂપ તમારા ચારિત્ર્યનું ઘડતર થાય છે અને જેવું ચારિત્ર્ય હોય તેવી જ તમારી દુનિયા બને છે. ઉત્તમ ચારિત્ર્ય જીવનને સાચી દિશામાં પ્રેરિત કરે છે, જ્યારે ચારિત્ર્યહીનતા પથ ભ્રષ્ટ કરીને ગમે ત્યાં વિનાશની ખાઈમાં ધકેલી શકે છે.
ચારિત્ર્ય એ માનવ જીવનનો પાયો છે. જો પાયો જ ખોખલો અને નબળો હશે, તો જીવનરૂપી આ મંદિર અડગપણે ઊભું રહી શકશે નહિ. જેમનું ચારિત્ર્ય પતિત હોય, જેઓ સમાજમાં વિશ્વાસપાત્ર ન હોય તેમને ડગલે ને પગલે અસહકાર તથા અસહાનુભૂતિનો તાપ સહન કરવો જ પડશે. ખરાબમાં ખરાબ માણસ પણ, ભલે ઉપરથી માનતો કે કહેતો ન હોય, પરંતુ મનમાં ને મનમાં ચારિત્ર્યવાન વ્યક્તિ તરફ આદરનો ભાવ રાખે છે, તેનાથી ડરે પણ છે.
પ્રાચીન કાળમાં આપણું ભારત વિશ્વગુરુ હોવાનું કહેવડાવવાનું ગૌરવ મેળવી શક્યું હતું. તેનું કારણ પણ તેની સચ્ચરિત્રતા અને મહાન માનવીય નૈતિક મૂલ્યોનું રક્ષણ કરી શકવાનું સામર્થ્ય જ હતું. મહાપુરુષોની જીવનગાથાઓ વાંચવાથી પોતાને પણ એવા બનવાની ઇચ્છા થાય છે.વિચારોની દ્ગઢતા તથા શક્તિ પ્રદાન કરનાર આવું સાહિત્ય આત્મનિર્માણમાં બહુ યોગદાન આપે છે. તેનાથી આંતરિક વિશેષતાઓ જાગૃત થાય છે. સારા પુસ્તકોમાંથી મળતી પ્રેરણા એક સાચા મિત્રનું કામ કરે છે. તેનાથી જીવનની સાચી દિશાનું જ્ઞાન થાય છે. તેનાથી ઊલટું અશ્ર્લીલ સાહિત્ય અધ:પતનનું કારણ બને છે.
ચારિત્ર્ય મનુષ્યની સૌથી મોટી શક્તિ તથા સંપત્તિ છે. સંસારની અનંત સંપદાઓના માલિક હોવા છતાં પણ જો કોઈ ચારિત્ર્યહીન હોય તો તે દરેક રીતે વિપન્ન જ માનવામાં આવશે. હવે આ જવાબદારી યુવા વર્ગ પર આવી પડી છે કે દેશનું ચારિત્ર્ય ઊંચું ઉઠાવવા માટે સ્વયં પોતાનું ચારિત્ર્ય ઉજ્જ્વળ બનાવે તથા બીજાઓના ચારિત્ર્યનું રક્ષણ કરે.
પ્રતિભાવો