૧૬. નિશ્ચિત ફળદાયી જીવન સાધના, સફળ જીવનની દિશાધારા
February 24, 2009 Leave a comment
નિશ્ચિત ફળદાયી જીવન સાધના :
જીવન સાધનાનો અર્થ છે –
પોતાના અણઘડ વ્યક્તિત્વને સુઘડ તથા ઉપયોગી બનાવવું. દરેક વ્યક્તિમાં મહાન બનવાની સંભાવનાઓ બીજ સ્વરૂપે રહેલી છે. પ્રશિક્ષણ અને અભ્યાસ દ્વારા તેનો વિકાસ કરી શકાય છે. જીવન સાધનામાં જીવન સાધકે ચતુર્વિધ પ્રક્રિયા સંપન્ન કરવી પડે છે.
(૧). આત્મચિંતન :– આત્મચિંતનનો અર્થ થાય છે પોતાની સમીક્ષા કરવી. તેના પોતાના ગુણો તથા દોષોને શોધી કાઢવા અને વર્ગીકૃત કરવા માટે પ્રયત્ન કરવાનો હોય છે. સૂક્ષ્મ આત્મનિરીક્ષણ વ્યક્તિએ જાતે કરવું જોઈએ અને પોતાની ખામીઓ શોધી કાઢવી જોઈએ. પોતાના દોષોને નિષ્પક્ષ રીતે જોઈને સ્વીકારવા જોઈએ.
(૨). આત્મસુધાર :- દુષ્પ્રવૃત્તિઓને છોડવા માટે કુસંસ્કારોને નષ્ટ કરવા માટે તથા પોતાની ખામીઓ, દોષોને દૂર કરવા માટે આત્મસુધારનો ક્રમ અપનાવવો પડે છે. તેના માટે પહેલાં નાની નાની ખરાબ ટેવો સામે સંઘર્ષ શરૂ કરવો જોઈએ. જ્યારે તેને હરાવી દેવામાં સફળતા મળે, પછી ક્રમશ: વધારે જૂની અને મોટી દુષ્પ્રવૃત્તિઓને હરાવવા માટેનું મનોબળ પણ કેળવી શકાશે.
(૩). આત્મનિર્માણ :- જીવન સાધનાનું ત્રીજું ચરણ આત્મનિર્માણ છે. તેનો અર્થ છે- પોતાના વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ અને સુસંસ્કૃત બનાવવા માટે યોજનાબદ્ધ રીતે પ્રયાસ કરવો. દુર્ગુણોને દૂર કર્યા પછી સદ્ગુણોની પ્રતિષ્ઠાને સંપત્તિ એકઠી કરવી એ પણ અત્યંત અનિવાર્ય છે. સદ્વિચાર અને સત્કર્મની સમગ્ર જીવન પદ્ધતિ અપનાવવાથી જ વ્યક્તિત્વ સુસંસ્કૃત બનવાનું સંભવ બને છે.
(૪). આત્મવિકાસ :– જીવન સાધનાનું અંતિમ પગથિયું આત્મવિકાસ છે. આત્મવિકાસ એટલે આત્મીયતાનો વિકાસ કરવો. મોટે ભાગે લોકોનું ચિંતન અને ક્રિયાકલાપ પોતાના શરીર, મન અને પોતાના પરિવારની સુવિધાઓ સુધી જ મર્યાદિત રહે છે. યાદ રાખવું જોઈએ કે માનવીય વ્યક્તિત્વ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે. તેની પાછળ સર્જનહારે જે મહેનત કરી છે. તેની પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે મનુષ્ય તેના સહયોગીની જેમ સૃષ્ટિની સુવ્યવસ્થામાં સંલગ્ન રહીને તેમને સહયોગ કરે. આ સ્થિતિએ પહોંચેલી વ્યક્તિ સીમીત ન રહેતાં અસીમ બની જાય છે અને તેનું કાર્યક્ષેત્ર પણ વ્યાપક સ્તરે સત્પ્રવૃત્તિઓનું સંવર્ધન બની જાય છે. આવી વ્યક્તિઓ પોતાની આવશ્યકતાઓ ઘટાડીને અને આજીવિકાની લઘુતમ જરૂરિયાતો રાખીને બાકીની ક્ષમતા અને સંપદાને સત્પ્રયોજનોમાં લગાવી દે છે.
જીવન સાધનાનાં આ ચાર સોપાનોનો સંયુક્ત પ્રયોગ વ્યક્તિને ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ તેમ જ ઉજ્જ્વળ ચારિત્ર્ય પ્રદાન કરે છે. જીવન સાધના વાસ્તવમાં એક કલ્પવૃક્ષ છે. તેની છાયામાં મનુષ્ય જીવનની મહાનતમ ઉપલબ્ધિઓ મેળવી શકે છે.
પ્રતિભાવો