આળસ ન કરવી એ જ અમૃતપદ છે.
February 27, 2009 Leave a comment
આળસ ન કરવી એ જ અમૃતપદ છે.
જે કાર્ય અત્યારે કરી શકાય છે તેને કલાકો પછી કરવાની મનોવૃત્તિ રાખવી એ આળસની નિશાની છે. એક કામ હાથમાં લીધું અને કરતા ગયા, તો ઘણાં કાર્ય પૂરાં થઈ શકશે. ઘણાં બધાં કામો એક સાથે લેતાં પહેલાં કયું કાર્ય કરવું એજ મૂંઝવણમાં સમય વીતી જાય છે અને એક પણ કાર્ય વ્યવસ્થિત રીતે પૂરું થતું નથી. આથી જે કામ આજે અને અત્યારે થઈ શકતું હોય તેને કાલ માટે ન છોડતાં તાત્કાલિક કરવું જોઈએ. બીજી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે એક સાથે વધારે કામ હાથમાં ન લેવાં કારણ કે કોઈપણ કાર્યમાં પૂરું ધ્યાન અને ઉત્સાહ ન રાખવાથી સફળતા મળી શકતી નથી. આથી એક એક કામ હાથમાં લો અને વારાફરતી પૂરાં કરો, નહીં તો બધાં કાર્ય અધૂરાં રહેશે અને કોઈપણ કામ પૂરું થયા વગર તેનું ફળ મળશે નહીં. એટલે જ કહેવાય છે કે “શ્રેદ્ધાવાન લભતે જ્ઞાનં તત્પર: લભતેન્દ્રિય:” કાર્યમાં તત્પર, સંયમી અને શ્રદ્ધાળુને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આળસ એક પ્રકારનો અંધકાર છે, જે મનુષ્યના આત્મા અને શક્તિઓ પર પોતાનો અધિકાર સ્થાપી દે છે.
યાદ રાખો, નકામાપણું અને આળસમાં પણ એક પ્રકારનું ગંદું આકર્ષણ છે. લાખો લોકો આળસના ગંદા કૂવામાં પડેલા છે અને તેને જ શ્રેષ્ઠ માની રહ્યા છે. તેમણે પોતાના જીવન પાસેથી વધારે ને વધારે કામ લેવા કમર કસી તૈયાર થઈ જવું જોઈએ.
“આલસ્યં હી મનુષ્યાણાં શરીરસ્થો મહારિપુ:” એટલે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ આલસ જ છે.
અખંડજ્યોતિ, નવેમ્બર -1956, પેજ-20
પ્રતિભાવો