સલાહ આપતાં પહેલાં વિચારો :
February 27, 2009 Leave a comment
સલાહ આપતાં પહેલાં વિચારો :
માણસમાં એક પ્રવૃત્તિ એ જોવા મળે છે કે એ બીજાના કામોમાં તરત દખલગીરી કરે છે. જો વિચારપૂર્વક જોઈએ તો કોઈ બીજો માણસ જે કંઈ કહે છે કે કરે છે એની સાથે તમારે કાંઈ લેવાદેવા નથી. તમારે એની વાત સંપૂર્ણપણે એની ઈચ્છા ઉપર છોડી દેવી જોઈએ. તમે પોતે પોતાના કામમાં જે રીતની સ્વતંત્રતાની ઈચ્છા રાખો છો એ હક બીજાને પણ આપવો જોઈએ.
વાસ્તવમાં કોઈ સજ્જને બીજાનાં કામો અને વિશ્વાસમાં ત્યાં સુધી હસ્તક્ષેપ કરવો ન જોઈએ કે જયાં સુધી એનાં કાર્યોથી સામાન્ય રીતે કોઈ નુકસાન ન થતું હોય. જો કોઈ મનુષ્ય એવો વ્યવહાર કરે, જેનાથી તે પોતાના પાડોશીઓ માટે દુ:ખનું કારણ બની જાય તો એ સમયે યોગ્ય સલાહ આપવાની આપણી ફરજ બને છે, પરંતુ આવા પ્રસંગે પણ એ વાત બહુ નમ્રતાથી અને સારી ભાષામાં કહેવી જોઈએ.
જો કોઈ વ્યક્તિ તમારા મતે કોઈ મોટી ભૂલ કરી રહી હોય તો તમે એને એકાંતમાં લઈ જઈને સાચી સલાહ આપી શકો છો કે ભાઈ, તમે આવું શા માટે કરો છો? શક્ય છે કે સાચી વાત એના મગજમાં ઊતરી જાય, પરંતુ દરેક જગ્યાએ આવું કરવું તે એને દખલગીરી જ લાગશે.
કોઈ ત્રીજા વ્યક્તિ સમક્ષ આવી વાતોની ચર્ચા પણ કરવી જોઈએ નહીં કારણ કે એ તેની નિંદા કરી કહેવાય કે જે સભ્ય વ્યક્તિને માટે શોભાસ્પદ નથી.
અખંડજ્યોતિ, જાન્યુઆરી -1958, પેજ-51
પ્રતિભાવો