ઉદાસ નહીં આનંદમાં રહો.
February 28, 2009 Leave a comment
ઉદાસ નહીં આનંદમાં રહો.
જીવનને સુખી અને સફળ બનાવવા માટે એક જ ઉપાય છે કે તમે એક ક્ષણ પણ ઉદાસીનતાને તાબે ન થાઓ. અપ્રિય પરિસ્થિતિ ઉત્પન્ન થવા છતાં પણ આનંદમાં રહો. સંસાર પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ એવો રાખો કે તમને પ્રતિકૂળતાઓમાં પણ સફળતા અને ઉન્નતિના પગલાં દેખાય. પોતાનું માનસિક સ્તર ઊંચું લઈ જાઓ કે સંસારની નાની મોટી કોઈપણ પ્રતિકૂળતા તમારું માનસિક સંતુલન અસ્તવ્યસ્ત ન કરી શકે. પ્રતિકૂળતાઓમાં પણ હસો. મુશ્કેલીઓમાં સ્મિત કરો અને નિષ્ફળતામાં સફળતાની સંભાવના નિહાળો.
વિરોધને વિરોધના રૂપમાં ન લેતાં તેનો પ્રેરણાના રૂપમાં સ્વીકાર કરો. કટુતાનો ઉત્તર મધુરતાથી આપો. હાનિ-લાભ, સુખ-દુખ, ઉત્કર્ષ અને અપકર્ષમાં તટસ્થ રહો. એનાથી એટલા બધા પ્રભાવિત ન બનો કે તમારે માટે તે વિષાદ, નિરાશા, નિરુત્સાહ અથવા વ્યગ્રતાનું કારણ બને સામે આવેલી દ્રિધાઓને સંસારનું સહજ ઘટનાચક્ર સમજીને નિર્વિકાર ભાવે સહન કરો અને ત્યારે જુઓ કે મોટામાં મોટું કારણ આવવા છતાં પણ આપ ઉદાસ નહીં બનો.
ઉદાસીનતા દરેક પ્રકારના શોકસંતાપનું મૂળ છે. એને આશરો આપતાં જ સંપૂર્ણ જીવન દુ:ખનો ભંડાર બની જશે. ઉદાસીનતા કાયર મનની અભિવ્યક્તિ છે. વીર તે છે, જે સંસારનાં બધાં દુ:ખ-દ્રંદ્રોને તટસ્થ ભાવથી સહન કરતાં સદાય પ્રસન્ન રહે છે..
અખંડજ્યોતિ, નવેમ્બર-1965, પેજ-28
પ્રતિભાવો