વિચારોની શક્તિ અપાર છે.
February 28, 2009 Leave a comment
વિચારોની શક્તિ અપાર છે.
વિચાર એક શક્તિ છે, વિશુદ્ધ વિધુત શક્તિ છે. જે એના પર યોગ્ય નિયંત્રણ રાખીને સાચી દિશામાં તેને વાળી શકે છે તે વીજળીની જેમ એની પાસેથી મોટાં મોટાં કામ લઈ શકે છે,પરંતુ જેઓ તેને સરખી રીતે અનુશાસિત કરી શકતા નથી તેઓ ઊલટાના એના શિકાર બનીને પોતાની જ શક્તિથી સ્વયં નાશ પામે છે. આથી જ મનીષીઓએ નિયંત્રિત વિચારોને મનુષ્યને મિત્ર અને અનિયંત્રિત વિચારોને તેના શત્રુ ગણાવ્યા છે.
સારું અને ખરાબ, સુખ અને દુ:ખની પરિસ્થિતિનું તથા ઉત્થાનપતનનું મુખ્ય કારણ મનુષ્યના વિચારો છે. આથી વિચારો પર કાબું રાખવો તે મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે. વિચારોને ઉન્નત બનાવો. તેમને કલ્યાણલક્ષી બનાવો. તેમને શુદ્ધ તેમજ સ્વચ્છ બનાવો તો તે તમને સ્વર્ગની સુખદ પરિસ્થિતિમાં પહોંચાડી દેશે. એનાથી વિપરીત જો તમે વિચારોને છૂટા મૂકી દેશો, તેમને કલુષિત અને કલંક્તિ થવા દેશો તો તમારે સદાય નરકની જવાળામાં બળવા માટે તૈયાર રહેવું પડશે. વિચારોની ઝપટમાંથી તમને સંસારની કોઈ શક્તિ બચાવી શકતી નથી.
વિચારોનું તેજ તમને ઓજસ્વી બનાવે છેઅને જીવનસંગ્રામમાં એક કુશળ યોદ્ધાની જેમ વિજય પણ અપાવે છે. આનાથી વિપરીત તમારા મડદાલ વિચારો તમને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પરાજિત કરીને જીવતે જીવ મૃત્યુંનો અનુભવ કરાવશે. જેના વિચાર પ્રબુદ્ધ છે તેનો આત્મા પ્રબુદ્ધ છે અને જેનો આત્મા પ્રબુદ્ધછે તેનાથી પરમાત્મા દૂર નથી.
અખંડજ્યોતિ, સપ્ટેમ્બર-1965, પેજ-58
પ્રતિભાવો