માનવતાના આદર્શો પર આસ્થા
March 3, 2009 Leave a comment
માનવતાના આદર્શો પર આસ્થા
સમૃદ્ધિ વધવી જોઈએ, પરંતુ સાથે સાથે જવાબદારી સમજીને પ્રાપ્ત સાધનોનો સદુપયોગ કરવાની વિવેક્શીલતા પણ વધવી જોઈએ.
મનુષ્યનું આંતરિક સ્તર એ આધાર પર ઘડાવું જોઈએ કે તે સ્વયં આનંદથી રહે અને બીજાઓને આનંદથી રહેવા દે. સ્વયં પ્રગતિશીલ બને અને બીજાઓને પ્રગતિના પથ પર ચાલવામાં સહયોગ આપે. અનીતિને ન તો સહન કરે અને ન કોઈને અન્યાયપૂર્વક સતાવે. પોતાના કર્તવ્યનું પાલન કરે અને બીજાઓની સામે એવો સાદર્શ રજૂ કરે, જેથી તેમને ઉત્તમતાના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે. ધનસંગ્રહની તૃષ્ણા, પદ, અધિકાર, સત્તા તેમજ અહંકારની પૂર્તિમાં આજે જે રીતે લોકો પોતાની ઉન્નતિ સમજે છે અને મોજમજા કરી લેવી જીવનની સફળતા માને છે તેવી જ રીતે જો જીવનને આદર્શ, મહાન, કર્તવ્યપરાયણ તથા ધર્મપરાયણ બનાવવાની દરેક વ્યક્તિને લગની લાગી જાય, તો મનુષ્ય આદર્શ મનુષ્ય બની શકે છે અને માનવી બધાં પ્રાણીઓમાં કેટલો મહાન છે એનો પ્રત્યેક ક્ષણે અનુભવ કરી શકે છે. સદ્દભાવનાઓમાં જે લોકોનું મન ડૂબેલું રહેશે તેમનું શરીર આદર્શ રજૂ કરવાનું કાર્ય જ કરશે.
તે કાર્યોથી તે વ્યક્તિઓનું અંગત કલ્યાણ તો થશે જ, પરંતુ સાથે સાથે જે તેમના સંપર્કમાં આવશે તેઓ પણ સંતોષ અને પ્રસન્નતાનો અનુભવ કરશે.
-અખંડજયોતિ, માર્ચ-1962, પેજ-5
પ્રતિભાવો