વિશ્વાસ કરો કે તમે મહાન છો.
March 5, 2009 Leave a comment
વિશ્વાસ કરો કે તમે મહાન છો.
વિશ્વાસ કરો કે તમે મહાન કાર્ય કરવા માટે જન્મ્યા છો. તમારી અંદર મહાના આત્માનો નિવાસ છે. વિશ્વાસ કરો કે તમે શરીર નહિ, આત્મા છો. તમે નશ્વર નહીં, અમર છો. તેથી કોઈ તમારો નાશ કરી શકે નહિ, કોઈ તમને વિચલિત કરી શકે નહિ.
વિશ્વાસ કરો કે તમે એકલા નથી. નદી, પર્વત, જંગલ કે એકાંતમાં પણ તમે એકલા નથી. તમારી સાથે સર્વશક્તિમાન પરમાત્મા છે. જ્યારે તમે ગાઢ નિદ્રામાં સૂતા હો છો ત્યારે પણ સર્વવ્યાપક પરમાત્મા તમારી સાથે, તમારા અંગે અંગમાં હોય છે. એ અનંત પિતાએ જ તમને જીવન આપ્યું છે. તે તમને મહાન અને ચિરાયું બનાવવા ઈચ્છે છે. તેથી કોઈપણ પરિસ્થિતિમાં તમે પોતાને એકલા ના માનશો, જ્યારે નિરાધારનો આધાર, સમ્રાટોનો પણ સમ્રાટ પરમ પ્રભુ તમારી સાથે છે, તો પછી તમે તમારી જાતને નિરાધાર અને અસહાય શા માટે માનો છો? આખા સંસારની બધી શક્તિઓ તમારો વિનાશ કરવા ભેગી થઈ હોય તો પણ શું? વિશ્વાસ રાખો કે પરમ પિતા તમારું રક્ષણ કરી રહ્યો છે. તેથી કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહિં.
આત્મ સમર્પણનો અર્થ એ નથી કે તમે આત્મવિશ્વાસ ખોઈ બેસો.જો તમે પરમાત્મા આગળ સમર્પણ કર્યુ હો તો તમારો આત્મવિશ્વાસ જાગૃત થવો જોઈએ. જો એટલું થશે તો તમે મહાન બની જશો, તમને ભય નહિ લાગે. તમે મહાનની સાથે ભળીને મહાન બની જશો.
-અખંડજયોતિ, ડીસેમ્બર-1949, પેજ-11
પ્રતિભાવો