દરેક કામ ઈમાનદારી અને રુચિથી કરો.
March 7, 2009 Leave a comment
દરેક કામ ઈમાનદારી અને રુચિથી કરો.
જે પણ કામ કરો તેને આદર્શ, સ્વચ્છ, શ્રેષ્ઠ, પૂરું, સાચું તથા શાનદાર રીતે કરો. પોતાની ઈમાનદારી અને દિલચશ્મીને પૂરી રીતે તેમાં જોડી દો. આ રીતે કરેલાં ઉત્કૃષ્ટ કાર્યો જ તમારા ગૌરવને સાચી પ્રતિષ્ઠા અપાવવામાં સમર્થ બનશે. અધૂરાં, અસ્તવ્યસ્ત, અપ્રિય, નકામાં, ગંદાં, નકલી, જૂઠાં અને કાચાં કામ કોઈપણ મનુષ્યના સૌથી મોટા તિરસ્કારનું કારણ બને છે. આ વાતને તે જ માણસ સમજી શકશે કે જેને જીવનવિદ્યાનાં તથ્યોની જાણકારી હોય.
પોતાની ટેવોમાં સુધારો, સ્વભાવનું નિર્માણ તથા દ્રષ્ટિકોણમાં સુધારો કરવો તે જીવન વિદ્યાનાં જરૂરી અંગો છે. હલકી ટેવો, ખરાબ સ્વભાવ અને સંકુચિત દ્રષ્ટિકોણવાળી કોઈપણ વ્યક્તિને સભ્ય ગણી શકાય નહીં. તેને કોઈનો સાચો પ્રેમ અને વિશ્વાસ પ્રાપ્ત થઈ શક્તાં નથી. જીવનવિદ્યાના અભાવમાં તે સદાય હલકી કક્ષાની જ રહેશે. કોઈ મોટી સફળતા તેને કયારેય નહીં મળી શકે.
કહેવાય છે કે મોટા માણસો હંમેશાં વિશાળ હ્રદય અને શ્રેષ્ઠ બુદ્ધિવાળા હોય છે. અહીંયાં શરીરની લંબાઈ પહોળાઈનો ઉલ્લેખ નથી, પરંતુ દ્રષ્ટિકોણમાં શ્રેષ્ઠતાનો જ અભિપ્રાય છે. જેમને જીવન પ્રત્યે પ્રેમ છે. તેઓ પોતાને સુધારે છે, પોતાના દ્રષ્ટિકોણને સાચી દિશામાં વિકસાવે છે. ફળ સ્વરૂપે તેમની વિચારવાની અને કામ કરવાની પદ્ધતિ એવી થઈ જાય છે કે એના આધારે મહાનતા દિવસે દિવસે તેમની નજીક આવતી જાય છે.
-અખંડજયોતિ, જૂન-1961, પેજ-6
પ્રતિભાવો