સારી વૃતિઓ સારા માર્ગે લઈ જાય છે.
March 8, 2009 Leave a comment
સારી વૃતિઓ સારા માર્ગે લઈ જાય છે.
તમે જે વાતને યોગ્ય માનતા હો, જે તમારો અંતરાત્મા કહે છે એને જ સત્ય માનો. તમારી સારી પ્રવૃતિઓ શાંત સમયે જે બાજુ વિચારે છે એને સારો માર્ગ સમજો. વ્યર્થ ચિંતનથી હંમેશા બચવું જોઈએ. સન્માર્ગે ચાલીને જ મનને શાંત રાખી શકાય છે. કદાચ એવું બને કે શરૂઆતમાં મન એકાગ્ર ન બને, પણ આત્મા પ્રબળ તત્વ છે. તેથી ધીરે ધીરે એ પોતે જ એમાં તન્મય થવા લાગશે. દુ:ખનો ભાર હળવો થશે અને હ્રદયને શાંતિ મળશે.
તમારો આત્મા જે વસ્તુને યોગ્ય માને એનો સંકલ્પ કરો. એમાં આગળ વધવાથી તમને આત્મબળ મળશે. એ કાર્યમાં મન લગાવવાથી તમારામાં શક્તિની વૃદ્ધિ થશે.
તમારી દુર્બળતા એ સંકલ્પની કમજોરી છે. તમે તમારા નિર્ણયને દ્રઢ મનથી પકડી નથી રાખતા. તમે એ સારી રીતે સમજી લો કે ઘડી ઘડી વિચારો બદલનારનું મન સિદ્ધિ મેળવી શકતું નથી. એના માટે મજબૂત સંકલ્પ અને દ્રઢ મન બન્ને જરૂરી છે. પોતાના વિચારોને પોતાના ઉદ્દેશ્યો પર એકાગ્ર રાખવાનો અભ્યાસ કરો.
સાવધાન, સત્યનો માર્ગ ક્યારેય ન છોડશો. ભલે તમારું મન ગમે તેટલા કૂદકા મારે. ઈન્દ્રિયો તો આમેય નકામી આમતેમ ભટકનારી છે. મનના સંયમથી જ સ્વર્ગ મળે છે. અનિયંત્રિત ઈન્દ્રિયોનો વિદ્રોહ જ નરક છે. મન અને ઈન્દ્રિયોને વશમાં રાખનાર જ સ્વર્ગનો અધિકારી છે.
-અખંડજયોતિ, નવેમ્બર-1959, પેજ-27
પ્રતિભાવો