ભાગ્યનું નિર્માણ આપણા હાથમાં છે.
March 18, 2009 Leave a comment
ભાગ્યનું નિર્માણ આપણા હાથમાં છે.
રોટલીનો સ્વાદ એ જ જાણે છે કે જેણે પરિશ્રમ કર્યા પછી સખત ભૂખ લાગતાં ખાધું છે. ધનનો ઉપયોગ એ કરી જાણે છે કે જેણે પરસેવો પાડીને ધન મેળવ્યું છે. સફળતાનું મૂલ્યાંકન એ કરી શકે છે, જેણે અનેક મુશ્કેલીનો, વિઘ્નો અને પરાજય સામે સંઘર્ષ કર્યો હોય. જે વિપરિત પરિસ્થિતિઓઅને વિઘ્નો વચ્ચે હસતો રહે છે અને પરાજય પછી પણ વધારે ઉત્સાહથી સફળતા મેળવવા પ્રયત્ન કરે છે એ જ ખરેખર વિજય અને લક્ષ્મીનો અધિકારી છે.
જે લોકો સફળતાના માર્ગમાં થનાર વિલંબની ધીરજપૂર્વક પ્રતીક્ષા નથી કરી શક્તા, જે લોકો સારું પ્રાપ્ત કરવાના માર્ગમાં આવનાર વિઘ્નો સામે લડવાનું નથી જાણતા તે પોતાની અયોગ્યતા અને છીછરાપણાને બદલે ભાગ્યને દોષિત ઠેરવી પોતાને નિર્દોષ સાબિત કરવાનો હાસ્યાસ્પદ પ્રયત્ન કરે છે. આનાથી આત્માને કોઈ લાભ થતો નથી, પરંતુ હાનિ જ થાય છે. સૌથી મોટું નુકસાન એ થાય છે કે પોતાને અભાગિયો માનનાર મનુષ્યા આશાનાં કિરણોથી વંચિત રહી જાય છે અને નિરાશાના અંધકારમાં ભટકતો રહેવાના લીધે ભગવાનને મેળવવામાં ઘણો પાછળ રહી જાય છે.
વિઘ્નો, મુશ્કેલીઓ, આપત્તિઓ અને અસફળતા એ એક પ્રકારની પરીક્ષા જ છે. એનાથી પરખ થાય છે. જે આ પરિક્ષામાં પાસ થાય પછી સફળતાનો સાચો અધિકારી સિદ્ધ થાય છે. એને જ ભગવાન મળે છે.
અખંડજ્યોતિ, સપ્ટેમ્બર-1949, પેજ-31
પ્રતિભાવો