મન જીત્યું તો જગ જીત્યું.
March 23, 2009 Leave a comment
મન જીત્યું તો જગ જીત્યું.
મન મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. એની સાથે યુદ્ધ કરવું તે અઘરું કાર્ય છે. એની સાથેના યુદ્ધમાં એક વિચિત્રતા છે. જો યુદ્ધ કરનારો દ્રઢતાથી યુદ્ધ કરતો રહે, પોતાની ઈચ્છા શક્તિને મનના વ્યાપારો ઉપર લગાવી રાખે તો એ સૈનિકની શક્તિ ખૂબ વધે છે અને એક દિવસ તે એની પર પૂરેપૂરો વિજ્ય પ્રાપ્ત કરી લે છે.
મનને દ્રઢ નિશ્ચયમાં સ્થિર રાખવાથી મુમુક્ષની ઈચ્છાશક્તિ પ્રબળ બને છે. મનનો સ્વભાવ મનુષ્યને અનુકૂળ બની જવાનો છે. એને કામ આપો. તે ચૂપચાપ બેસી શકતું નથી. જો તમે એને ફૂલો પર વિચરણ કરનાર પતંગિયું બનાવી દેશો તો તે તમને પરેશાન કરી મૂકશે. જો તમે એને ઉદ્દંડ રાખશો તો તે રાતદિવસ ભટકતું જ રહેશે, પરંતુ જો તમે એને ચિંતન કરવા યોગ્ય બાબતોમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરશો તો તે તમારો સૌથી મોટો મિત્ર બની જશે.
જ્યારે તમારા મનમાં વાસનાનો પ્રબળ વેગ જાગે ત્યારે નિશ્ચયાત્મક બુદ્ધિને જાગૃત કરો. થોડી વાર માટે મનથી અળગા થઈ તેના વ્યાપારો પર તીક્ષ્ણ નજર રાખો. બસ, વિચાર શૃંખલા તૂટી જશે અને તમે તેનાથી ચલિત નહિ થાવ. મનનું કહ્યું ન માનો. આવો અભ્યાસ કરવાથી મન તમને આજ્ઞા નહિ કરી શકે, ઊલટું તે તમારો આજ્ઞાપાલક અનુચર બની જશે.
અખંડજ્યોતિ, માર્ચ-૧૯૪૫, પેજ-૭૨
પ્રતિભાવો