મનુષ્ય જીવનનો ઉદ્દેશ પણ સમજીએ :-
March 24, 2009 Leave a comment
મનુષ્ય જીવનનો ઉદ્દેશ પણ સમજીએ :-
જેને ધારણ કરવાથી ભયમુક્ત શાંતિ મળે તે જ ધર્મ છે, તે જ લક્ષ્ય છે. બીજાઓના અધિકારની લોલુપતાથી મુક્ત રહીએ. આપણું કલ્યાણ, તૃષ્ણામુક્તિ, વાસનામુક્તિ તેમજ નિષ્કામ થવામાં છે. આપણી કામનાઓ જ બંધનમાં બાંધે છે. આથી ભૂલ થાય છે, અવનતિ થાય છે. મનુષ્ય બધી રીતે દીનહીન બનીને કષ્ટ અને કલેશની ઝંઝટો ભરેલું જીવન વિતાવતો રહે છે.
સુખ અને શાંતિ ભોગવિલાસમાં નહીં, પણ મનુષ્યની સચ્ચરિત્રતા, પ્રામાણિકતા અને પવિત્રતામાં છે. સદ્દગુણોમાં જ મનુષ્યનો વૈભવ છુપાયેલો છે, જેને પ્રાપ્ત કરીને જીવનનાં બધા અભાવ દૂર થઈ જાય છે.
જીવનલક્ષ્ય પ્રત્યે મનુષ્યની દ્રઢતા પ્રબળ હોવી જોઈએ. તેને વિચાર અને વિવેક દ્રારા સુદ્રઢ બનાવીને પોતાના જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવાની સફલતા પ્રાપ્ત કરી શકાશે. જ્યારે મનુષ્ય વસ્તુસ્થિતિને સમજી લે છે, તો તેને માનવા અને અપનાવવામાં પણ કોઈ હેરાનગતિ થતી નથી.
જીવનલક્ષ્યની દ્રઢતા અને આત્મવિશ્ર્લેષણનો વિવેક એટલો શુદ્ધ હોવો જોઈ કે સાંસારિક અવરોધોનો, ભોગનાં પ્રલોભનોનો તેના ઉપર પ્રભાવ ન પડી શકે ત્યારે સ્થિરતાપૂર્વક તે મહાનતાની તરફ આગળ વધી શકાય છે, જેને માટે મનુષ્યયોનિમાં જીવાત્માનો અવતાર થાય છે.
અખંડજ્યોતિ, માર્ચ-1965, પેજ-10
પ્રતિભાવો