સદ્દજ્ઞાનનો સંચય કરો. :
April 7, 2009 Leave a comment
સદ્દજ્ઞાનનો સંચય કરો. :
સુખનો આધાર મન પર નથી, પરંતુ સદ્દજ્ઞાન તથા આત્મનિર્માણ પર રહેલો છે. જેણે આત્મજ્ઞાન દ્વારા પોતાના દ્રષ્ટિકોણને સુસંસ્કારી બનાવી લીધો છે તે સાધનસંપન્ન હોય કે ન હોય છતાં દરેક પરિસ્થિતિમાં સુખી રહેશે. પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી પ્રતિકૂળ હોય, છતાં તે એમને અનુકૂળ બનાવી દેશે. ઉત્તમ ગુણ અને ઉત્તમ સ્વભાવવાળો મનુષ્ય ખરાબ લોકો વચ્ચે રહેવા છતાં પણ સારા અવસરો પ્રાપ્ત કરી લે છે.
વિચારશીલ મનુષ્યો માટે ખરેખર આ સંસારમાં કયાંય કોઈ મુશ્કેલી નથી. શોક, દુ:ખ, ચિંતા અને ભયનો એક કણ પણ તેમના સુધી પહોંચી શકતો નથી. દરેક પરિસ્થિતિમાં તેઓ પ્રસન્નતા, સંતોષ અને સૌભાગ્યનો અનુભવ કરે છે.
સદ્દજ્ઞાન દ્વારા આત્મનિર્માણ કરવાનો લાભ ધન ભેગું કરવા કરતાં અનેક ગણો મહત્વપૂર્ણ છે. ખરેખર જે જેટલો જ્ઞાનવાન છે તે એટલો જ વધારે ધનવાન છે. એ જ કારણે નિર્ધન બ્રાહ્મણને બીજા સંપન્ન વર્ણો કરતાં વધારે સન્માન આપવામાં આવે છે.
મનુષ્યની સૌથી મોટી મૂડી જ્ઞાન છે. તેથી વાસ્તવિકતાને સમજો. રાતદિવસ ધન પાછળ પાગલ બનવાના બદલે સદ્દજ્ઞાનનો સંચય કરો. આત્મનિર્માણ તરફ તમારી અભિરુચિને વાળો.
અખંડજ્યોતિ, જુલાઈ-1947 પેજ-2
પ્રતિભાવો