સંતોષી હંમેશા સુખી :
April 11, 2009 Leave a comment
સંતોષી હંમેશા સુખી :
અસંતોષ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો સાવ નાશ કરી નાખે છે. આ એક માનસિક રોગ છે, આંતરિક ઉત્પાત છે. તેનાથી બચવામાં જ કલ્યાણ છે. જે લોકો એમ વિચારે છે કે અસંતોષ વડે પ્રગતિની આકાંક્ષા જાગૃત થાય છે તેઓ ભૂલ કરે છે. પ્રગતિ તો સ્વસ્થ આત્માનું સ્વાભાવિક ચિન્હ છે. શાંત અને સંતુલિત મસ્તક સદા પ્રગતિની વાત વિચારે છે અને તેના માટે એવી પ્રવૃત્તિઓ પણ અપનાવે છે, જે સફળતાની મંજિલ પાર કરવામાં સમર્થ હોય છે.
આપણે સંતુષ્ટ રહેવું જોઈએ. સંતોષમાં જ શાંતિ છે. આજે જે મળ્યું છે તેના માટે ઈશ્વરને અનેક ધન્યવાદ આપવા અને તેનાથી પૂર્ણરૂપે પ્રસન્ન રહેવું એ જ દરેક વિવેકશીલ માટે ઉચિત છે. જેમને આપણા કરતાં ઓછું મળ્યું છે એમની તુલનામાં ઓછાં સાધન અને હલકી વસ્તુઓ હોવા છતાં પણ આપણે ભાગ્યશાળી છીએ. આપણા આ સૌભાગ્ય બદલ આપણે શા માટે પ્રસન્ન ના થવું જોઈએ? કેમ સંતોષ ન માનવો ? જો સુખી રહેવાથી ઈચ્છા હોય તો સંતોષને પોતાના સ્વભાવમાં સામેલ કરવો જ પડશે.
વર્તમાન સ્થિતિ કરતાં વધારે સારી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ એ ઉચિત છે, પરંતુ તેના માટે દુ:ખી કે અસંતુષ્ટ થવાની જરૂર નથી. એ કાર્ય તો સંતુષ્ટ અને પ્રસન્ન મન વડે જ સહેલાઈથી થઈ શકે છે. આપણે સારામાં સારું પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહીએ અને ખરાબમાં ખરાબને સ્વીકરવા તૈયાર રહીએ તો અસંતોષ અને નિરાશાથી બચી શકાય છે.
અખંડજ્યોતિ, ફેબ્રુઆરી-1961 પેજ-22
પ્રતિભાવો