પોતાનું ભાગ્ય પોતાના હાથે ઘડો :
April 12, 2009 Leave a comment
પોતાનું ભાગ્ય પોતાના હાથે ઘડો :
દુર્ભાગ્યનું મુખ્ય કારણ મનુષ્યના મનોવિકાર છે. આનાથી જીવન બરબાદ થાય છે. કામ, ક્રોધ, લોભ તથા મોહ વગેરે દ્વારા જ મનુષ્યનું જીવન અપવિત્ર બને છે. ટૂંકમાં આને જ દુર્ભાગ્યની સંજ્ઞા આપવામાં આવે છે. તેથે મનુષ્યને માટે ઉચિત છે કે તે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિની અસ્વચ્છતને દૂર કરવાનો સદાય અભ્યાસ કરતો રહે.
આથી તે ભવિષ્યને સુંદર બનાવી શકે છે. વસ્તુઓના વધારેમાં વધારે સંગ્રહને જ ભાગ્ય કહેવાતું નથી. મનુષ્ય જીવનમાં સદ્દગુણોનો વિકાસ થવો એ જ સદ્દભાગ્ય છે. આથી તેને શાશ્વત સુખ ને શાંતિની પ્રાપ્તિ થાય છે. સત્કર્મો જ સૌભાગ્યનું નિર્માણ કરે છે.
કર્મ ભલે આ જન્મનાં હોય કે પૂર્વ જન્મનાં, પણ તેમનું ફળ અવશ્ય મળે છે. પરિણામથી મનુષ્ય બચી શક્તો નથી. દુષ્કર્મોનો ભોગ જે રીતે ભોગવવો જ પડે છે તે રીતે શુભ કર્મોથી સૌભાગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આ સુંદર તક જેને પ્રાપ્ત થાય તે જ સાચો ભાગ્યશાળી છે અને એના માટે નસીબના ભરોસે બેસી રહેવું પડતું નથી. કર્મોનો સંચય મનુષ્ય પોતે જ કરે છે. તેથી પોતાના સારાનરસા ભાગ્યનો નિર્ણાયક પણ તે જ છે.
પોતાના ભાગ્યને તે કર્મો દ્વારા સુધારે કે બગાડે છે. આપણું શ્રેય એમાં છે કે સત્કર્મો દ્વારા આપણે પોતાનું ભવિષ્ય સુધારી લઈએ. જે આ વાતને સમજી લેશે અને એ પ્રમાણે આચરણ કરશે તેને કદી દુર્ભાગ્યનું દુ:ખ સહેવું નહીં પડે.
અખંડજ્યોતિ, માર્ચ- 1965 પેજ-16
પ્રતિભાવો