રડવાથી કામ નહિ ચાલે
April 19, 2009 Leave a comment
રડવાથી કામ નહિ ચાલે
ઈશ્વરે મનુષ્યને સંપૂર્ણ યોગ્યતાઓ અને શક્તિઓ આપીને આ સંસારમાં મોકલ્યો છે. પરમાત્મા કદી એવું નથી ઈચ્છતા કે એમનો આ પુત્ર સિંહાસન પર બેસે અને બીજો દરવાજે દરવાજે ઠોકરો ખાતો ફરે. પિતાને પોતાનાં બધા સંતાનો વ્હાલા હોય છે. તે બધાને સુખી જોવા ઈચ્છે છે. જો તમે દુ:ખી હો તો એમાં પરમાત્માનો દોષ નથી, પરંતુ તમે પોતે પોતાના પગ પર કુહાડી મારો છો. ઈશ્વરે આપણને સુખમય સ્વતંત્ર જીવન જીવવા માટે સ્વસ્થ શરીર અને મજબૂત મન આપ્યાં છે. તે આપણો અધિકાર મેળવવા માટે અને ઉન્નતિ કરવા માટે આપ્યાં છે, રડવા કે હાય હાય કરવા નથી આપ્યાં. એ બન્ને વરદાન આપવાનું કારણ એ છે કે મનુષ્ય સુખમય જીવન જીવે.
જેઓ પરમાત્માએ આપેલી શક્તિઓનો સદુપયોગ કરે છે તેઓ સર્વ રીતે સુખી અને સંપન્ન હોય છે, પરંતુ લોકો એ શક્તિઓનો દુરુપયોગ કરે છે એમને જીવનમાં દુ:ખ ભોગવવું પડે છે. તેમને રોતાં કકળતાં જિંદગી વિતાવવી પડે છે. પોતાની શક્તિઓને ઓળખો. દુનિયામાં એવી કોઈ તાકાત નથી, જે તમને સુખ, શાંતિ અને સ્વતંત્રતાથી વંચિત કરી શકે. આજથી જ તમારી શક્તિઓનો સદુપયોગ કરવાનું શરૂ કરી દો. તમને પણ રાજસિંહાસન પર બેસવાનો અધિકાર આપમેળે જ પ્રાપ્ત થશે.
અખંડજ્યોતિ, નવેમ્બર- 1944 પેજ-235
પ્રતિભાવો