સંયુક્ત કુટુંબના અસંખ્ય લાભ : ૩. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
April 23, 2009 Leave a comment
સંયુક્ત કુટુંબના અસંખ્ય લાભ : ૩. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
છૂટાંછવાયાં નાના પ્રયત્નો કરવામાં શક્તિઓનો અપવ્યય વધુ અને કાર્ય ઓછું થાય છે. એકલો માણસ થોડીવાર પછી અટકી જાય છે, પરંતુ સામૂહિક અને સંગઠિત સહયોગથી એવી અનેક ચેતનાઓ અને સુવિધાઓની ઉત્પતી થાય છે કે જેમનાં દ્વારા મોટાં મોટાં મુશ્કેલ કાર્યો સહજમાં થઈ જાય છે. સંયુક્ત ખેતરો, સંયુક્ત રસોડા, સંયુક્ત કુટુંબની પ્રવૃત્તિથી માનવ પ્રાણીના સુખ, શાંતિ અને સફળતાઓમાં આશ્ચર્યજનક રીતે અભિવૃદ્ધિ થાય છે.
આર્થિક દ્ગષ્ટિથી વિચારીએ તો સંયુક્ત કુટુંબથી ધનનો ઓછો ખર્ચ થાય છે તથા સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ થાય છે. અલગ અલગ રહેવાથી જુદા જુદા ચૂલા તથા દીવા બળે છે, ભોજન, નિવાસ તથા શિક્ષણ વગેરે માટે દરેક નાનાં કુટુંબોને જુદો જુદો ખર્ચ કરવો પડે છે. આજકાલ મકાનની સમસ્યા ખૂબ વિકટ છે. ચાર ભાઈઓ જો પરસ્પર સ્નેહનો વિકાસ કરી સંયુક્ત રીતે રહે તો ચાર મકાનના બદલે એકથી જ કામ ચાલી જશે, ચાર મકાન, ચાર ગણું ફર્નિચર, સજાવટનો સામાન વગેરેની જરૂરિયાત રહે નહીં. અતિથિઓ માટે વધારાના પલંગ, પથારી આ બધું જુદું જુદું રાખવાની પછી શી જરૂર ? ઘરના સામાન્ય નોકરો જેવા કે રસોઇયા, ચોકીદાર, દૂધ દોહનારાઓનો ખર્ચ પણ એક જ સ્થાનેથી કરી શકાશે અને ચારેય ભાઈઓને રાહત પણ થશે.
ચારે ભાઈઓના એક સાથે સંયુક્તરીતે રહેવાથી જો માથાદીઠ પાંચસો રૂપિયા ખર્ચ થાય તો અલગ રહેવામાં દરેકને એક હજાર રૂપિયા ખર્ચ અવશ્ય થઈ જશે. એક ભાઈ બીજા સારા ભાઈનો વ્યવહાર, કાર્યક્રમ, દિનચર્યા જોઈને એનું અનુકરણ કરશે. ગંદકીથી બચશે; નકામી આદતો જેવી કે સિનેમા, દારૂ, સિગારેટ, ગામગપાટા વગેરે અનેક પ્રકારના અપવ્યયથી બચતા રહેશે. “ હું જે ચાહું છું તે બધાં પાસે પણ હોવું જોઈએ”, બધાં માટે તેવી જ વ્યવસ્થા કરવામાં ખર્ચ ખૂબ વધશે. ફક્ત મારાં જ માટે આ વસ્તુ હોવાથી બધાંને ખોટું લાગશે. એવું વિચારીને ઘરના અન્ય સભ્યો પણ પોતાની જરૂરિયાતો પર સંયમ અને મન પર કાબૂ રાખશે. જ્યારે આવું નિયંત્રણ હોતું નથી ત્યારે દરેક વ્યક્તિ છૂટા હાથે ખર્ચ કરે છે. ઘરની એકત્રિત થયેલી સંપત્તિ નષ્ટ થઈ જાય છે. ખોટા ભપકામાં માણસ બરબાદ થઈ જાય છે
પ્રતિભાવો