સાચો અને સારો વ્યાપાર :-
April 25, 2009 Leave a comment
સાચો અને સારો વ્યાપાર :-
મનુષ્ય મરી જાય છે, એનો સાજ સામાન, મહેલ વગેરે તૂટી ફૂટી જાય છે, પરંતુ કીર્તિ એક એવી વસ્તુ છે, જે યુગો સુધી જીવતી રહે છે. જે સર્વસ્વ ખોઈ ને પણ યશ મેળવે છે તે સારો વ્યાપાર કરે છે,ઘાસનું છાપરું વેચીને પાકું મકાન ખરીદી લેવું તે બુદ્ધિની વાત છે. પોતાનું આખું જીવન ઉજ્જવળ કીર્તિ મેળવવા પાછળ જેઓ ખરચી નાંખે છે તે મહાન આત્મા છે. જેઓ જીવનભર માત્ર પેટ ભરતા રહે છે અને અંતે કુતરાની જેમ મરી જાય છે એવા અભાગિયાઓના પેદા થવા થી શો લાભ ?
જેમણે પોતાના ભવિષ્યની ચિંતા નથી અને સ્વાર્થ ની સીમાથી આગળ કશું જોઈ શકતા નથી તેઓ મરે લા જેવા છે, પછી ભલે તેઓ શ્વાસ લેતા હોય, ખાતાપીતા હોય કે હરતાફરતા જણાતા હોય. મૂર્ખ લોકો ધન ભેગું કરીને મૂકી જાય છે કે જેથી પોતાની પાછળ વાળા થોડાક લોકો ખાય અને ખુશ રહે જો પોતાના જીવતે જીવ તે ધન શ્રેષ્ઠ કાર્યોમાં વાપર્યુ હોત તો કેટલું સારું કે જેથી તે શ્રેષ્ઠ ભૂમિમાં ઊગીને પોતાની છાયામાં અનેક પ્રાણીઓને શાંતિ આપી શકત.
બેવકૂફ એને કહે છે કે જે લાભ ની વસ્તુને ફેંકી દે છે અને નુકસાનકારક વસ્તુઓ ને અપનાવે છે. જેઓ પોતાની જીભ દ્વારા કડવી અને ઠેકાણા વગરની વાતો કરે છે. એમને બેવકૂફ સિવાય બીજું શું કહી શકાય ? કોઈ માણસ ભલે ગમે તેટલો ભણેલો ગણેલો કે ચતુર હોય, પરંતુ જો તે ભલાઈ છોડીને બૂરાઈ અપનાવતો હોય તો એને એક નંબરનો મૂર્ખ માનવો જોઈએ.
અખંડ જ્યોતિ, ઓક્ટોબર – ૧૯૪ર, પેજ-ર૭
પ્રતિભાવો