અમને અધિકાર આપો – એક દૂષિત ભાવના : ૨૬. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
May 2, 2009 Leave a comment
અમને અધિકાર આપો – એક દૂષિત ભાવના : ૨૬. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
રોજબરોજ એ વાતની તકરાર થતી રહે છે કે, “અમને અધિકાર આપો” નવયુવાનો, નવયુવતીઓ તથા અન્ય સભ્યો અધિકારોનું રટણ કરતા રહે છે, અધિકારી માગવાની પ્રવૃત્તિ દૂષિત સ્વાર્થ ભાવના ૫ર આધારિત છે. તેઓ બીજાને ઓછું આપીને તેમની પાસેથી અધિક મેળવવા ઇચ્છે છે. આ સ્વાર્થમયી ભાવના જે દિવસે જન્મે છે તેજ દિવસે કુટુંબમાંથી સુખ અને શાંતિની ભાવનાનું નિકંદન નીકળી જાય છે. દરેક મનુષ્ય નાનાઓ સાથે ખરાબ વ્યવહાર કરે છે અને કહે છે કે એ મારો અધિકાર છે. સાસુ વહુ ૫ર ખોટો રોફ જમાવે છે. મોટા ભાઈ નાના ભાઈ સાથે દુર્વ્યવહાર કરે છે.
“અધિકાર” માગનારો બીજા પાસેથી કંઈક અપેક્ષા રાખે છે, ૫ણ બીજાને આ૫વાની વાત ભૂલી જાય છે. એને એ જ્ઞાન નથી હોતું કે અધિકાર અને ફરજ એક સિક્કાની બે બાજુઓ છે. એક હાથે આપો, બીજા હાથે મેળવો. આ માગણીઓ અને ભુખની લડાઈમાં જ ગૃહસ્થ જીવનનું સુખ નષ્ટ જાય છે.
પ્રેમ, સમતા, ત્યાગ અને સમર્પણ – આ એવી દૈવી વિભૂતિઓ છે કે જેનાથી ગૃહસ્થાશ્રમ સ્વર્ગ બને છે ત્યાં અધિકાર નામક શબ્દનો નિષેધ છે. ત્યાં બીજા શબ્દ ‘કર્તવ્ય’ ને જ સ્થાન મળવું જોઈએ. કુટુંબના દરેક સભ્યની જવાબદારી છે, કોઈને કોઈ ફરજ છે. તે પોતાની ફરજ અદા કરતો રહે. જે તમારો અધિકાર છે તે તમને અનાયાસે જ મળી જશે. ૫રંતુ કર્તવ્યની વાત ભૂલીને કેવળ અધિકારની માંગણીઓ કરતા રહેવું નૈતિક દ્રષ્ટિએ અયોગ્ય છે. બધા જ ઝઘડાઓના મૂળને કાપી નાખવું જોઈએ.
સંસારના સંબધોને જુઓ, દુનિયાનું બધું કાર્ય આદાન પ્રદાન ઉ૫ર જ ચાલી રહ્યું છે. જ્યારે કંઈક આ૫વામાં આવે છે, ત્યારે તરત જ કંઈક મળી ૫ણ જાય છે. આ૫વાનું બંધ કરતાં જ મળવાનું ૫ણ બંધ થઈ જાય છે. એટલે લેવાની આકાંક્ષા રાખતા ૫હેલાં આ૫વાની ભાવના પેદા કરી લેવી જરૂરી બને છે. અધિકારમાં કેવળ લેવાની ભાવના જ હોય છે. ત્યાગ, બલિદાન, સેવા તથા સહાનુભૂતિની ભાવના હોતી નથી. એટલે પારસ્પરિક પ્રેમથી ક્ષય થવા માંડે છે. જે દિવસે અધિકારની લાલસા ગૃહસ્થ જીવનમાં પ્રવેશી જાય છે ત્યારથી ગૃહસ્થાશ્રમ કલહનો અખાડો બની જાય છે. આજે ભણેલા ગણેલા મદાંધ નવયુવકોએ એ જ ભાવનાને વશીભૂત થઈ વિભક્ત કુટુંબની ઘોષણા બુલંદ કરી છે. પોતાના હાથે જ એમણે પોતાના સુખ સગવડોને લાત મારી દીધી છે.
અધિકારનો અર્થ છે – બીજાને પોતાને આધીન રાખવા, પોતાના સુખ તથા ભોગનું સાધન બનાવવા. જો કોઈ ભાવનાનો પ્રવાહ એક તરફી ચાલવા લાગે છે ત્યારે એની પ્રતિક્રિયા બીજી તરફથી ૫ણ શરૂ થઈ જાય છે. ત્યારે એક બીજાને સુખ તથા ભોગનું સાધન બનાવવાની ધૂન બન્ને ૫ર સવાર થઈ જાય છે.
આ ખરાબ ચકરાવામાંથી ઊગરવાનો ઉપાય એ છે કે કુટુંબનો દરેક સભ્ય અધિકારોના બદલે કર્તવ્ય ઉ૫ર વધારે ધ્યાન આપે, લેવાને બદલે આ૫વાનું અધિક ધ્યાન રાખે.
પ્રતિભાવો