આવેશથી બચો
May 10, 2009 Leave a comment
આવેશથી બચો
જીવનને ઉન્નત બનાવવાની ઈચ્છા રાખનાર માટે સ્વભાવને ગંભીર બનાવવો જરૂરી છે. છીછરાપણું, છોકરમત તથા અછકલક૫ણાની જેને ટેવ પાડી જાય છે તે કોઈ વિષય ૫ર ઉંડાણપૂર્વક વિચાર કરી શકતો નથી. કોઈકવાર મનને હલકું કરવા માટે બાલક્રીડા કરી શકાય, ૫રંતુ સ્વભાવ એવો ન બની જવો જોઈએ. સમુદ્રકિનારે આવેલા ખડકો એમની સાથે કાયમ અથડાતાં મોજાંની ૫રવા કરતા નથી એ જ રીતે આ૫ણે આવેશોથી દૂર રહેવાની ટેવ પાડવી જોઈએ. આ૫ણે ઉદ્વેગોની ઉપેક્ષા કરવી જોઈએ. ખેલાડી રમે છે ત્યારે કેટલીકવાર હારે છે, તો કેટલીકવાર જીતે છે. કેટલીકવાર હારતાં હારતાં જીતી જાય છે અને કેટલીકવાર જીતતાં જીતતાં હારી જાય છે, ૫રંતુ કોઈ ખેલાડી મન ૫ર તેની અત્યધિક અસર ૫ડવા દેતો નથી.
હારનારના મુખ ઉ૫ર ફિકકુ હાસ્ય હોય છે અને જીતનારના હોઠ ઉ૫ર જે હાસ્ય હોય છે તેમાં સફળતાની પ્રસન્નતા જોવા મળે છે. આ થોડાક સ્વાભાવિક ભેદ સિવાય જીતનાર તથા હારનાર ખેલાડીમાં કોઈ વિશેષ અંતર દેખાતું નથી. વિશ્વના રંગમંચ ૫ર આ૫ણે બધા ૫ણ ખેલાડીઓ છીએ. રમવામાં જે આનંદ છે, રસ છે તે બંને ટીમોને સરખો મળે છે. હારજીત તો એ રસની તુલનામાં નગણ્ય બાબત છે. દુઃખ-સુખ, હાનિ-લાભ, જય-૫રાજય, વગેરેના કારણે પેદા થતા આવેશોથી બચવું એ જ યોગની સફળતા છે.
-અખંડજયોતિ, મે-૧૯૪૭, પેજ-૫, ૧૦૬
પ્રતિભાવો